વડોદરામાં સંક્રમણ અટકાવવા કોરોના ટેસ્ટનું પ્રમાણ વધારાશે
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
30, જુલાઈ 2020  |   2475

વડોદરા, તા.૨૯  

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ મુખ્યમંત્રી રાહતફંડમાંથી પાલિકાને વધુ રૂ.૫ કરોડ આપવાની જાહેરાત કરી હતી. ઉલ્લેખનીય છે કે, અગાઉ મુખ્યમંત્રી રાહતફંડમાંથી પાલિકાને રૂ.૧૦ કરોડ તેમજ આરોગ્ય વિભાગ દ્વારા રૂ.૫ કરોડ સહિત કુલ રૂ.૧૫ કરોડની ફાળવણી કરવામાં આવી છે. આ સંદર્ભમાં મુખ્યમંત્રીએ જણાવ્યું કે, વડોદરા શહેરમાં કોરોના સંક્રમણને ફેલાતું અટકાવવા કોરોના ટેસ્ટીંગનું પ્રમાણ વધારવામાં આવશે. એટલું જ નહિ સયાજી અને ગોત્રી હોસ્પિટલમાં જરૂરી તમામ તબીબી સાધનો પૂરાં પાડવામાં આવશે. વડોદરામાં હાલમાં ૩,૫૦૦ બેડ્‌સની સુવિધા છે જે આગામી દિવસોમાં ૫,૦૦૦ સુધી લઇ જવામાં આવશે.

 તેમણે એવો સંકેત આપ્યો કે, વડોદરાને જરૂરી હશે તેટલા વેન્ટીલેટર, દવાઓ અને અન્ય તમામ જરૂરી સાધનો રાજય સરકાર ઉપલબ્ધ કરાવશે. મુખ્યમંત્રી રૂપાણીએ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સાથે વડોદરા શહેર અને જિલ્લામાં વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓ, આરોગ્ય સેવાના તબીબો, આઇ.એમ.એ.ના પ્રતિનિધિઓ અને જિલ્લાના સાંસદ, ધારાસભ્યો સાથે અલગ અલગ વિશેષ બેઠક યોજી સ્થિતિની ઉચ્ચસ્તરીય સમીક્ષા કરી હતી.

મુખ્યમંત્રીએ જણાવ્યું કે, ગુજરાતમાં રિકવરી રેટ ૭૩ ટકા છે જ્યારે મૃત્યુદર ૭ ટકાથી ઘટીને ૪ ટકા સુધી લાવવામાં સફળતા મળી છે. રાજયમાં કોરોના મૃત્યુદરનું પ્રમાણ ઘટે તે માટે સરકારી હોસ્પિટલ્સને અદ્યતન તબીબી સાધન સુવિધાઓથી સજ્જ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત ખાનગી હોસ્પિટલ્સનો પણ સહયોગ લેવામાં આવી રહ્યો છે. રાજય સરકારે ટોસીલીઝુમેબ, રેમેડીસિવિર જેવા મોંઘા ઇન્જેકશન્સ જે જીવનરક્ષક છે તેની વ્યવસ્થા કરી છે તેમ જણાવતાં મુખ્યમંત્રીએ ઉમેર્યુ કે, હાલમાં નવું ઇન્જેકશન ઇટાલીઝુમા આવ્યું છે તેની પણ વ્યવસ્થા રાજય સરકાર દ્વારા કરવામાં આવશે. આ મોંઘા અને જીવનરક્ષક ઇન્જેકશન્સની કાળા બજારી કરનારા અને તેમાં ભેળસેળ કરનારા કે નકલી ઇન્જેકશન્સના વેચાણ કરનારાઓને છોડવામાં નહિ આવે. ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા પણ ખાનગી ડાૅકટરો કોવીડ સંક્રમિતોને પોતાની સેવાઓ આપી રહ્યા છે. ઇન્ડિયન મેડિકલ એસોસિએશન વડોદરા દ્વારા જે ખાનગી તબીબોનું કોરોનાથી અવસાન થયું છે તેમને વિમાછત્રનો લાભ આપવા સૂચન કર્યુ છે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, કોરોના સામેની લડાઇ બહુ લાંબી છે ત્યારે લોકોમાં વ્યાપક જાગૃત્તિ આવે તેટલું જ નહિ ફરજિયાત માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટન્સ જાળવવું તેમજ વડોદરા સહિત ગુજરાતના નાગરિકો કોરોના સંક્રમણ અટકાવવા નિયમોનું ચૂસ્ત પાલન કરે તે આવશ્યક છે.તેમણે ઉમેર્યુ કે, વડોદરા જિલ્લાના ડભોઇ, પાદરા, વડોદરા અને સાવલી તાલુકામાં દર સપ્તાહે આરોગ્ય સર્વેલન્સની વ્યાપક વ્યવસ્થા કરી તમામ લોકોના આરોગ્યની ચકાસણી કરવામાં આવશે.

ઓગષ્ટ માસમાં વિવિધ ધાર્મિક તહેવારોની ઉજવણી આયોજકો સ્વયંભૂ રીતે મોકુફ રાખે અને ઉત્સવોની ઉજવણી કોરોના સંક્રમણનું માધ્યમ ન બને તેવો મુખ્યમંત્રીશ્રીએ ખાસ અનુરોધ કર્યો હતો. આવી જ સ્થિતિ રહે તો નવરાત્રિ પણ મોકુફ રાખવી પડે પરંતુ આ બાબતમાં સરકાર પરિસ્થિતિને અનુલક્ષીને જે-તે સમયે ર્નિણય લેશે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution