કોર્ટ નક્કી કરશે શિવાંશની કસ્ટડી કોને સોંપવામાં આવશે, આટલા દિવસ માટે બાળ સંરક્ષણગૃહમાં સોંપાયો
12, ઓક્ટોબર 2021 2376   |  

ગાંધીનગર-

ગાંધીનગરમાં સચિન દીક્ષિતે શુક્રવારે રાતના સાડાઆઠ વાગ્યે શિવાંશને તરછોડ્યા બાદ તેને પોલીસને સોંપવામાં આવ્યો હતો. પોલીસને સોંપ્યા બાદ તેની ગાંધીનગરનાં કોર્પોરેટર દીપ્તિબેન પટેલે માતાની જેમ લગભગ ૪૮ કલાક સુધી સારસંભાળ રાખી હતી. ત્યાર બાદ શિવાંશને રવિવારના રાતના ૭ વાગે શિવાંશને અમદાવાદના ઓઢવમાં આવેલા શિશુગૃહમાં લાવવામાં આવ્યો હતો. તેને મૂકવા માટે કોર્પોરેટર દીપ્તિબેન પટેલ જ આવ્યાં હતાં. કૂમળા ફૂલ જેવો શિવાંશ એક જ ક્ષણમાં માતા-પિતા વિનાનો નોધારો થઇ ગયો છે. હજુ તો તે સમજી પણ શકતો નથી, પાપા પગલી ભરી શકતો નથી, પરંતુ બાળકનાં માતા-પિતા કોણ એના પરથી પડદો ઊંચકાઇ જતાં બાળક શિવાંશ નોધારો બની ગયો છે. ત્યારે રવિવારે સાંજના સમયે ગાંધીનગર સિવિલથી ઓઢવ બાળ સંરક્ષણગૃહમાં લઇ જવામાં આવ્યો હતો. આ ઉપરાંત મહત્ત્વની બાબત છે કે શિવાંશની માતાનું મૃત્યુ થઈ ચૂક્યું છે અને તેનો પિતા હવે હત્યાનો આરોપી છે.

કાનૂની નિષ્ણાતોના મતે શિવાંશ ખરેખર સચિનનો દીકરો છે કે નહીં એ બાબતની ખરાઈ રિપોર્ટથી થશે. રિપોર્ટમાં આ વાત સાચી જણાય તો શિવાંશ પર સૌપ્રથમ હક તેના દાદા નંદકિશોર એટલે કે સચિનના પિતાનો ગણાય. તેઓ શિવાંશની જવાબદારી લેવા તૈયાર થાય છે કે પછી દત્તક આપવા માગે છે તેના પર શિવાંશનું ભવિષ્ય નક્કી થશે. બાળ સંરક્ષણગૃહમાં સવારે જિલ્લા બાળ સુરક્ષા અધિકારી પણ પહોંચ્યા હતા, જેઓ બાળક સંરક્ષણગૃહના સ્ટાફ સાથે મીટિંગ કરશે. જિલ્લા બાળ સુરક્ષા અધિકારીના જણાવ્યા અનુસાર, ૧૬ કલાકથી શિવાંશ અહીં છે. એકલો ના પડે એ માટે તેને ૦થી ૬ વર્ષનાં બાળકો સાથે રાખવામાં આવ્યો છે. અત્યારે તેની સાથે બે કેર ટેકર છે. શિવાંશના ભવિષ્ય અને કાયદાકીય પ્રતિબંધને કારણે હવે તેની ઓળખ પ્રસ્થાપિત નહિ કરી શકાય. અગાઉ જ્યારે ઓળખ નહોતી થઈ ત્યારે તેની ઓળખ થાય એ માટે તેનો ફોટો જાહેર કરાયો હતો, પરંતુ હવે એ ફોટો પણ જાહેર નહિ કરી શકાય.

ગાંધીનગરના પેથાપુરમાં સ્વામિનારાયણ ગુરુકુળની ગૌશાળામાં શુક્રવારે રાત્રે અજાણ્યો યુવક બાળક મૂકી ગયો હતો. ગૌશાળાના સેવકે પોલીસને જાણ કર્યા બાદ બાળકની કસ્ટડી લેવામાં આવી હતી. ત્યાર બાદ તેના પરિવારની શોધખોળ માટે ૧૦૦થી વધુ પોલીસ કામે લાગી હતી. અંતે, બાળકને મૂકી જનારા ગાંધીનગરના જ સચિન દીક્ષિતને રાજસ્થાનના કોટામાંથી શોધી લવાયો હતો. જાેકે બીજા જ દિવસે ઘટસ્ફોટ થયો કે શિવાંશ સચિનની પ્રેમિકા દ્વારા થયેલો દીકરો છે અને તેણે પ્રેમિકા મહેંદીને મોતને ઘાટ ઉતારી દીધી છે. મહિલા અને બાળ વિકાસમંત્રી મનીષા વકીલ ઓઢવ બાળ સંરક્ષણગૃહ આવ્યાં હતાં, જ્યાં તેમણે જણાવ્યું હતું કે આજે બાળકને મળવા આવી હતી, બાળક ખૂબ સરસ છે. ૩૦ દિવસ સુધી બાળક બાળ સંરક્ષણગૃહમાં જ રહેશે. ૩૦ દિવસ દરમિયાન કોર્ટ કાર્યવાહી ચાલશે, જે પ્રમાણે કોર્ટ નક્કી કરશે એ પ્રમાણે કસ્ટડી સોંપવામાં આવશે. બાળકનો કબજાે લેવા માટે પરિવારના સભ્યો જ આગળ આવે તો સારું. એમ નહિ થાય તો બાળકને કાયદાકીય પ્રક્રિયા દ્વારા દત્તક આપવાની કામગીરી કરવામાં આવશે. ડોકટર સાથે પણ વાત થઈ છે, બાળકની તબિયત ખૂબ સારી છે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution