લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
15, જુન 2026 |
6435
અમદાવાદ ગ્રામ્ય મેજિસ્ટ્રેટ કોર્ટે નિવૃત્ત ટ્રાફિક કોન્સ્ટેબલ લાલજી મકવાણાને ટ્રાફિક ચેકિંગ દરમિયાન મોટરસાયકલ ચાલક તરફ નોટપેડ ફેંકીને ચાલકને ઈજા પહોંચાડવા બદલ દોષિત ઠેરવ્યા છે. જાે કે વિવિધ રાહત આપનારા પરિબળોને ધ્યાનમાં રાખીને, કોર્ટે તેમને જેલની સજામાંથી રાહત આપી છે અને પ્રોબેશનનો લાભ આપ્યો છે. પરંતુ ૩૦ હજારનું વળતર ફરિયાદીને ચૂકવવા કોર્ટે આદેશ કર્યો છે. આ રૂપિયા કોર્ટમાં જમા કરાવવાના રહેશે. આ ઘટના ૧૯ નવેમ્બર, ૨૦૦૭ની છે, જ્યારે ટ્રાફિક કોન્સ્ટેબલ શિવરંજની ચાર રસ્તા પર ફરજ બજાવતા હતા. એક ટુ વ્હીલર ચાલક પોતાની બહેનને પાછળ બેસાડીને મોટરસાયકલ લઈને ચાર રસ્તા પાસે આવ્યા હતા. બાઇક ચાલકે હેલ્મેટ પહેર્યું ન હતું. પ્રોશિક્યુશનના જણાવ્યા અનુસાર ટ્રાફિક કોન્સ્ટેબલે બાઇક ચાલકને ઊભા રહેવાનો ઈશારો કર્યો હતો. જ્યારે તેમને લાગ્યું કે ચાલક ઊભો નહીં રહે, ત્યારે તેમણે પોતાની પાસે રહેલું નોટપેડ તેની તરફ ફેંક્યું હતું.આ નોટપેડ બાઇક ચાલકના મોઢા પર વાગ્યું હતું. જેના કારણે મોટરસાયકલ ચાલકે સંતુલન ગુમાવ્યું અને બંને સવારો રોડ પર પડી ગયા. ચાલકના ચશ્મા તૂટી ગયા અને તેની આંખમાં ઈજા થઈ હતી. ફરજ પરના અન્ય એક પોલીસકર્મી તેને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા.બીજા દિવસે બાઇક ચાલકે કોન્સ્ટેબલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ચાર્જશીટ ફાઇલ થઈ અને ટ્રાયલ ચાલ્યા બાદ કોર્ટે ટ્રાફિક કોન્સ્ટેબલને બાઇક ચાલક પર હુમલો કરવા બદલ દોષિત ઠેરવ્યા છે. કોન્સ્ટેબલે કોર્ટ સમક્ષ નરમ વલણ અપનાવવા અને જેલની સજાને બદલે વળતર ચૂકવવાનો આદેશ કરવા વિનંતી કરી હતી.એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ દ્વારા આ વિનંતીનો સ્વીકાર કરાયો હતો. કોર્ટે અવલોકન કર્યું હતું કે ઘટના સમયની આરોપીની ઉંમર તેમજ તેમની વર્તમાન ઉંમર, તેમનો વ્યવસાય, કૌટુંબિક જવાબદારીઓ, કેસના સંજાેગો, ગુનાનું સ્વરૂપ અને તેમના ભવિષ્યની સંભાવનાઓ પર દોષિત ઠરવાની અસરોને ધ્યાનમાં લેતા, કોર્ટ પ્રોબેશન ઓફ ઓફેન્ડર્સ એક્ટ, ૧૯૫૮ ની કલમોનો લાભ આપવો યોગ્ય માને છે.