બિલ્ડર રમણ પટેલની સજા મોકૂફી અને ચૂકાદાના અમલ પર મનાઇહુકમ માટેની અરજી કોર્ટે ફગાવી
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
15, જુન 2026  |   5940

પોપ્યુલર બિલ્ડર રમણ પટેલને સાણંદની અદાલતે છેતરપિંડી અને ગુનાહિત કાવતરાના કેસમાં ૪ વર્ષની જેલ અને ૧.૪૦ લાખનો દંડ ફટકાર્યો હતો. આ સજા સામે મનાઈહુકમ મેળવવા તેમણે અમદાવાદ સેશન્સ કોર્ટ અને ત્યારબાદ હાઈકોર્ટમાં અરજી કરી હતી, પરંતુ બંને અદાલતોએ તેમની જામીન અને સજા મોકૂફ રાખવાની માંગણી ફગાવી દીધી છે. મૂળ પોપ્યુલર બિલ્ડરના રમણ પટેલ સામે સાણંદ પોલીસ મથકે ૪૦૬, ૪૨૦, ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧ અને ૧૨૦મ્ અંતર્ગત ફરિયાદ નોંધાઈ હતી. આરોપીએ ફરિયાદીની સાણંદના ચેખલા ગામ ખાતે આવેલ પ્રતિબંધિત સત્તા પ્રકારની જમીનનો રજીસ્ટર વેચાણ દસ્તાવેજ બનાવીને જુદી-જુદી કંપનીઓને નામે કરી દીધો હતો. ખરેખર આ પ્રકારની જમીનનો દસ્તાવેજ થઈ શકે નહીં.વળી નવી શરતની જમીનને જૂની શરતમાં ફેરવવા આરોપીએ સાણંદ મામલતદારનો બનાવટી હુકમ તૈયાર કર્યો હતો,જેને દસ્તાવેજમાં મૂકવામાં આવ્યો હતો. આશ્ચર્યજનક બાબત એ છે કે જે ૫૨ કંપનીઓના નામે દસ્તાવેજ કરવામાં આવ્યા છે. તેમાંથી ૪૧ કંપનીઓના સરનામા આરોપીઓના ઘરના સરનામે રજીસ્ટર છે. આ કાવતરું ૧૯૯૬માં ઘડવામાં આવ્યું હતું.હાઈકોર્ટમાં અરજદારના વકીલે જણાવ્યું હતું કે આરોપી ડિસેમ્બર, ૨૦૨૩થી જેલમાં છે અને સજાનો મોટો ભાગ ભોગવી ચૂક્યા છે. પ્રોસિક્યુશને જે મામલતદારના કથિત બનાવટી હુકમનો આધાર લીધો છે, તે મૂળ હુકમ અદાલત સમક્ષ રજૂ જ કરી શકાયો નથી. જમીન માલિકે વેચાણ દસ્તાવેજ પર પોતે સહી કરી હોવાથી આમાં કોઈ બનાવટનો ગુનો બનતો નથી. આરોપી વૃદ્ધ અને બીમાર હોવાથી સજા મોકૂફ થવી જાેઈએ.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution