પાનના ગલ્લામાંથી ૬૦ હજારની પ્રતિબંધિત ઈ-સિગારેટ સાથે એકને ક્રાઈમ બ્રાંચે ઝડપ્યો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
13, જુન 2026  |   2376

શહેર ક્રાઈમ બ્રાન્ચે શાહીબાગ વિસ્તારમાં આવેલા એક પાનના પાર્લર પર દરોડો પાડીને ગેરકાયદેસર રીતે વેચાણ અર્થે સંગ્રહ કરી રાખેલી વિદેશી બ્રાન્ડની પ્રતિબંધિત ઈ-સિગારેટનો(૬૦ હજાર) મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. આ મામલે ક્રાઈમ બ્રાન્ચે એક આરોપીની ધરપકડ કરી છે, જ્યારે મુંબઈના સપ્લાયરને વોન્ટેડ જાહેર કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ક્રાઈમ બ્રાન્ચનો સ્ટાફના માણસો ઇ-સિગારેટ તથા વિદેશી તમાકુના ગેરકાયદે વેચાણને શોધી કાઢવા માટે પેટ્રોલીંગમાં હતા. આ દરમિયાન બાતમી મળી હતી કે શાહીબાગ, શનિદેવ મંદિર પાસે, લાડલાપીરની ચાલીની સામે આવેલા “ભગવતી પાન પાર્લર” નામના ગલ્લામાં ગેરકાયદેસર રીતે ઈ-સિગારેટનો સંગ્રહ કરી વેચાણ કરવામાં આવી રહ્યું છે. બાતમીના આધારે પોલીસે પંચોને સાથે રાખીને સાંજના સમયે આ સ્થળે દરોડો પાડ્યો હતો. પાનના ગલ્લામાં તપાસ કરતા ત્યાં હાજર ગલ્લાના માલિક પરાગ કાંતીલાલ બોડાણા (મારવાડી) (ઉં.વ. ૪૫, મૂળ રહે. રાજસ્થાન)ની અટકાયત કરવામાં આવી હતી. ગલ્લાની જડતી લેતા અંદરથી જુદી-જુદી કંપનીની વિદેશી બનાવટની ઈ-સિગારેટ મળી આવી હતી. આરોપી પાસે આ પ્રતિબંધિત વસ્તુઓ રાખવા કે વેચવા અંગેનું કોઈ પાસ કે પરમિટ નહોતું. અલગ-અલગ ફ્લેવરની કુલ ૩૦ નંગ ઈ-સિગારેટ (કિંમત રૂ. ૬૦ હજાર)નો જથ્થો જપ્ત કર્યો હતો. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આરોપી પરાગ બોડાણાએ કબૂલાત કરી હતી કે તે પોતાના આર્થિક ફાયદા માટે આ ઈ-સિગારેટનો જથ્થો મોહંમદભાઈ (રહે. મુંબઈ) નામના વ્યક્તિ પાસેથી કુરિયર દ્વારા મંગાવતો હતો અને અહીં છૂટક વેચાણ કરતો હતો. આ મામલે ક્રાઈમ બ્રાન્ચેની ફરિયાદના આધારે શાહીબાગ પોલીસ સ્ટેશનમાં આરોપીઓ વિરુદ્ધ ‘ધી પ્રોહીબીશન ઓફ ઇલેક્ટ્રોનીક સીગારેટ્સ એક્ટ-૨૦૧૯’ ની કલમ ૭ અને ૮ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution