રાજ્યના પાટનગરમાં જ વિકાસના નામે વૃક્ષોનું નિકંદન
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
28, જુન 2026  |   1782

ગાંધીનગરના સાંસદ અને કેન્દ્રિય ગૃહ-સહકાર મંત્રી અમિત શાહ તેમના ગાંધીનગર લોકસભા ક્ષેત્રને હરિયાળી લોકસભા બનાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. જ્યારે બીજી તરફ પાટનગર ગાંધીનગરમાં જ વિકાસના કામોને લઈને ૪૫ વર્ષ જૂના ૩૦૦૦ સહિત ૮૮૩૩ વૃક્ષનું નિકંદન કાઢવામાં આવ્યું છે. જ્યારે આ વૃક્ષના ઉછેર પેટે વન વિભાગ દ્વારા સંબંધિત સંસ્થાઓ પાસેથી રૂ. ૨.૪૮ કરોડથી વધુ રકમની વસૂલાત કરવામાં આવી છે. આખી દુનિયા આજે ગ્લોબલ વોર્મિંગની સમસ્યાનો ભયાનક સામનો કરી રહી છે, ત્યારે હવામાન અનિયમિતતાની સમસ્યાઓથી બચવા માટે પર્યાવરણનું સંરક્ષણ કરવું એ આજની પ્રાથમિકતા બની ગઈ છે. પરંતુ વિકાસની હરણફાળમાં આજે ગુજરાતમાં વૃક્ષોનું નિકંદન કાઢવામાં આવી રહ્યું છે. જ્યારે બીજી તરફ વૃક્ષના જતન માટે વૃક્ષારોપણની વાતો કરવામાં આવી રહી છે. આ સંજાેગોમાં ગાંધીનગર વન વિભાગ હેઠળ જ છેલ્લા ત્રણ વર્ષમાં વિવિધ વિકાસના કામોના નામે સત્તાવાર રીતે ૮૮૩૩ વૃક્ષો અને ૩૧૮૪ રોપાઓને દૂર કરવામાં આવ્યા હોવાની વિગતો સામે આવી છે. ગાંધીનગર વન વિભાગ પાસેથી મળેલી માહિતી મુજબ વિકાસના કામો માટે જે ૮૮૩૩ વૃક્ષોનું નિકંદન કાઢવામાં આવ્યું છે. તેમાંથી ૧૪૦૦ વૃક્ષો ૪૫ વર્ષ જૂના અને ૧૫૦૦ વૃક્ષો ૪૦ વર્ષ જૂના હતા. ગાંધીનગર વન વિભાગની માહિતી મુજબ ૮૮૩૩ વૃક્ષો અને ૩૧૮૪ રોપાઓને દૂર કરવા માટે વન વિભાગ દ્વારા સંબંધિત સંસ્થાઓ પાસેથી આ વૃક્ષોના ઉછેર પેટે કુલ મળીને રૂ. ૨,૪૮,૪૦,૮૪૪/ની રકમ વસૂલવામાં આવી હતી. ગાંધીનગર વન વિભાગ દ્વારા વર્ષ ૨૦૨૩-૨૪માં ૧૫ સંસ્થાઓને ૩૭૪૫ વૃક્ષો અને ૩૦૫૦ રોપાઓને વિવિધ વિકાસની કામગીરી હેઠળ દૂર કરવાની મંજૂરી અપાઈ હતી. જે બદલ વન વિભાગ દ્વારા રૂ. ૮૭,૫૮,૭૬૮/ની રકમ વસૂલવામાં આવી હતી. આવી જ રીતે વર્ષ ૨૦૨૪-૨૫માં આઠ સંસ્થાને ૪૬૦ વૃક્ષો અને ૧૩૪ રોપા દૂર કરવા માટેની મંજૂરી અપાઈ હતી. જેના બદલ ગાંધીનગર વન વિભાગ દ્વારા આ સંસ્થાઓ પાસેથી કુલ મળીને રૂ. ૧૩,૪૭,૧૦૪/ની રકમ વસૂલવામાં આવી હતી. જ્યારે વર્ષ ૨૦૨૫-૨૬માં ગાંધીનગર વન વિભાગ દ્વારા ૧૦ સંસ્થાઓને ૩૮૧૯ વૃક્ષોને દૂર કરવા માટેની મંજૂરી અપાઈ હતી. જે બદલ ગાંધીનગર વન વિભાગ દ્વારા આ સંસ્થાઓ પાસેથી કુલ મળીને રૂ. ૧,૨૨,૪૭,૩૮૯/ની રકમ વસૂલવામાં આવી હતી.

દહેગામ-ચિલોડા રોડ માટે ૪૫ વર્ષ જૂના ૧૪૦૦ વૃક્ષ કપાયા

ગાંધીનગર જિલ્લાના દહેગામથી ચિલોડા વચ્ચેના રોડને પહોળો કરવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેના અંતર્ગત ૧૪૦૦ વૃક્ષોને દૂર કરવા માટેની મંજૂરી મેળવવામાં આવી હતી. આ તમામ ૧૪૦૦ વૃક્ષોનું વાવેતર વર્ષ ૧૯૭૮-૭૯ દરમિયાન કરવામાં આવ્યું હતું. આશરે ૪૫ વર્ષ જૂના ૧૪૦૦ વૃક્ષને દૂર કરવા બદલ તેના ઉછેર માટે રૂ.૪૬,૧૩,૪૭૮/ની રકમ વન વિભાગ દ્વારા વસૂલવામાં આવી હતી.

કલોલ-સાણંદ રોડને પહોળો કરવા ૪૦ વર્ષ જૂના ૧૪૪૦ વૃક્ષોનું નિકંદન કઢાયું

ગાંધીનગર જિલ્લાના કલોલથી બોરીસણા, શેરીસા, મોટી ભોયણ, રણછોડપુરા, ચિખણા થઈ સાણંદ સુધીનો રોડ પહોળો કરવા માટે ૧૪૪૦ વૃક્ષને દૂર કરવા માટે વન વિભાગની મંજૂરી માંગવામાં આવી હતી. આ રોડને પહોળો કરવા માટે હટાવવામાં આવનાર ૧૪૪૦ વૃક્ષોનું વર્ષ ૧૯૮૦-૮૧માં વાવેતર કરવામાં આવ્યું હતું. આ વૃક્ષોને કાપવા માટે વન વિભાગ દ્વારા રૂ. ૩૭,૪૯,૬૫૭/ની રકમ વસૂલવામાં આવી હતી.


© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution