મગફળીની બમ્પર આવક છતાં તેલના ભાવમાં આગ ઝરતી તેજી
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
03, સપ્ટેમ્બર 2025  |   8712

અમદાવાદ, ગુજરાતમાં આ વર્ષે મગફળીનું ૬૬ લાખ ટન જેટલું બમ્પર ઉત્પાદન થવાનો અંદાજ છે, જે ગત વર્ષના ૫૨ લાખ ટન ઉત્પાદન કરતાં ઘણો વધારે છે. ખેડૂતોને તેમના ઉત્પાદનના યોગ્ય ભાવ મળી રહ્યા છે, પરંતુ માર્કેટ યાર્ડમાં મગફળીના ભાવ સ્થિર હોવા છતાં સિંગતેલના ભાવમાં કૃત્રિમ તેજી જાેવા મળી રહી છે. તાજેતરમાં સિંગતેલના ડબ્બાનો ભાવ એક જ દિવસમાં રૂ. ૩૦ જેટલો વધ્યો છે, જેના કારણે ભાવ રૂ. ૨૩૪૦ થી રૂ. ૨૩૯૦ સુધી પહોંચ્યો છે. આ વધારો સામાન્ય જનતા માટે આઘાતજનક છે કારણ કે, આ તેલનો વપરાશ મોટા પાયે થાય છે. સિંગતેલની સાથે સાથે અન્ય તેલોના ભાવમાં પણ વધારો થયો છે. કપાસિયા તેલના ભાવમાં ડબ્બે રૂ. ૧૫ નો વધારો થતાં ભાવ રૂ. ૨૨૬૫ થી રૂ. ૨૩૧૫ ની વચ્ચે ટ્રેડ થઈ રહ્યો છે. જ્યારે, પામોલિન તેલના ભાવમાં ડબ્બે રૂ. ૧૦ નો વધારો થયો છે, જેના કારણે ભાવ રૂ. ૨૦૨૫ થી રૂ. ૨૦૩૦ ની વચ્ચે છે. આ અસામાન્ય ભાવવધારો વેપારીઓ અને ગ્રાહકો બંને માટે ચિંતાનો વિષય બન્યો છે. સંગ્રહખોરી અને સટ્ટાખોરીને કારણે આ ભાવવધારો થયો હોવાનું મનાઈ રહ્યું છે, અને સરકાર દ્વારા આ બાબતે યોગ્ય પગલાં ભરવામાં આવે તેવું લોકો ઇચ્છી રહ્યા છે. આ મોંઘવારી સામાન્ય માનવીના જીવનને વધુ કઠિન બનાવી રહી છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution