કુણધા ગામે રસ્તાના અભાવે પથ્થર પર પ્રસૂતિની નોબત
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
17, જુન 2026  |   2673

સ્થાનિક નેતાઓની સ્વવિકાસની નીતિ-રીતિને પાપે વિકાસની મોટી મોટી વાતો વચ્ચે આજે પણ અંતરિયાળ અને અનેક ગ્રામ્ય વિસ્તારોની વાસ્તવિકતા કાળજુ કંપાવી દે તેવી છે. રસ્તાની સુવિધા ન હોવાને કારણે એક સગર્ભા મહિલાને હોસ્પિટલ સુધી પહોંચાડવી કેટલી મુશ્કેલ બને છે. તેનો જીવતો જાગતો વિડીયો સામે આવ્યો છે. રાત્રિના અંધકારમાં પથ્થર અને માટીવાળા દુર્ગમ રસ્તા પર એક એક લાચાર અને બેબસ માતાએ ખુલ્લા આકાશ નીચે બાળકને જન્મ આપવો પડ્યો હતો. મળતી માહિતી મુજબ લીમખેડા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા કુણધા ગામમાં એક સગર્ભા મહિલાને અચાનક ઉપડેલી પ્રસુતિની પીડા બાદ પરિવારજનોએ તાત્કાલિક ૧૦૮ ઈમરજન્સી સેવાનો સંપર્ક કર્યો હતો. અને ૧૦૮ ઈમરજન્સી વાન બોલાવી હતી પરંતુ ગામ સુધી પહોંચવાનો રસ્તો પાકો ન હોવાને કારણે એમ્બ્યુલન્સ સમયસર સ્થળ પર પહોંચી શકી ન હતી. જ્યારે બીજી તરફ અસહ્ય પ્રસવ પીડાથી કણસતી મહિલાને હોસ્પિટલ સુધી લઈ જવી અશક્ય બનતા આખરે રસ્તાની સાઈડમાં પથ્થરો અને માટીની વચ્ચે જ પ્રસુતિ કરાવવાની ફરજ પડી હતી. આ અંગે આશા વર્કર મીનાબેન જણાવ્યું કે,’અમારી બહેનોની પ્રસુતિ આવા પથ્થરોમાં થાય છે. જ્યાં ચાલવાનો રસ્તો પણ મળતો નથી. અમારે વોટ આપવાના પણ આવી કોઈ પાયાની સુવિધા મળતી નથી. સ્થિતિની ગંભીરતા સમજીને ૧૦૮ ના ઇમર્જન્સી મેડિકલ ટેકનિશિયન અને પાયલોટ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અને તેમણે અંધારામાં મોબાઇલની ફ્લેશલાઈટના અજવાળે પથ્થરો પર જ મેડિકલ પ્રોટોકોલ મુજબ પ્રસુતિની આગળની પ્રક્રિયા (નાળ કાપવી અને પ્રાથમિક સારવાર) ખૂબ જ કુશળતાપૂર્વક પૂર્ણ કરી હતી. ૧૦૮ ની ટીમની આ પ્રશંસનીય કામગીરી ને કારણે માતા અને નવજાત શિશુ બંને હાલ સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા લોકોમાં વહીવટી તંત્ર સામે ભારે રોષ જાેવા મળી રહ્યો છે. આઝાદીના સાડા સાત દાયકા પછી પણ સગર્ભા બહેનોને પાકા રસ્તા કે સ્વાસ્થ્ય સેવા કેમ નથી મળતી? શું અંતરિયાળ વિસ્તારમાં લોકો માત્ર વોટ આપવા પૂરતા જ સીમિત છે? સ્થાનિકો હવે માંગ કરી રહ્યા છે કે વહેલામાં વહેલી તકે આ વિસ્તારમાં પાકા રસ્તા બનાવવામાં આવે જેથી ભવિષ્યમાં કોઈ અન્ય સગર્ભાને આવી કપરી અગ્નિ પરીક્ષામાંથી પસાર થવું ન પડે.

જિલ્લાના વિકાસ પુરુષ કહેવાતા સાંસદના વિસ્તારના વિકાસની વાતોમાં સત્યતા કેટલી ?

કેટલીક ટર્મથી ધારાસભ્ય પદે અને મંત્રી પદે રહી ચૂકેલા અને કેટલીક ટર્મથી સાંસદ પદુ ભોગવી રહેલા અને જેઓના હૈયે જિલ્લાનો વિકાસ વસેલો છે તેવા દાહોદના સાંસદના માદરે વતન નજીકના અંતરિયાળ વિસ્તારના ગામમાં પાકા રસ્તાની સુવિધાને મામલે દીવા તળે અંધારા જેવી સ્થિતિ જાેવા મળી રહી છે. વિકાસની યોજનાઓના કાર્યક્રમોમાં હંમેશા વ્યસ્ત રહેતા સાંસદથી પોતાના આ અંતરિયાળ વિસ્તારના કુણધા ગામમાં પાકા રસ્તાની સુવિધા પ્રદાન કરવાનું કેવી રીતે વિસરાઈ ગયું તે ખરેખર આશ્ચર્ય ઉપજાવે છે. છેલ્લી બે ટર્મથી તો તેઓના લઘુબંધુ જ આ વિસ્તારનું ધારાસભ્ય પદુ ભોગવી રહ્યા છે. તેમ છતાં તેઓ પણ પોતાના મત વિસ્તારના અંતરિયાળ ગામમાં પાકા રસ્તાની સુવિધા પ્રદાન કરવામાં વામણા પુરવાર થયા હોય તેમ લાગી રહ્યું છે. પોતાના જ મત વિસ્તારમાં પાકા રસ્તાના અભાવે ગામ સુધી ૧૦૮ ઈમરજન્સી વાન આવી ન શકવાને કારણે એક મહિલાને રાત્રિના અંધકારથી ઘેરાયેલા એક દુર્ગમ રસ્તા પર પથ્થરોની વચ્ચે બાળકને જન્મ આપવા મજબૂર થવું પડે તે ગંભીર બાબત સરકારના વિકાસ અંગેના મોટા મોટા દાવાઓની પોકળતાને છતી કરતી જાેવા મળી રહી છે. આ છે. જિલ્લાના વિકાસની વરવી વાસ્તવિકતા!!!


© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution