લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
28, જુન 2026 |
2871
સુરત શહેરમાં ગઈકાલે સવારે ભેસ્તાન બ્રિજ પર માતા-પુત્રીને કચડી મરનાર ડમ્પર ચાલક અને માલિકની પોલીસે ધરપકડ કરી આગળની કાર્યવાહી સાથે વધુ તપાસ શરૂ કરી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર ગઈકાલે સવારે ભેસ્તાન આવાસમાં રહેતા અઝફલઉદ્દીન શેખની ૨૨ વર્ષીય પત્ની રૂકસાર અને બે વર્ષીય પુત્રી જૈનબ અને ચાર વર્ષીય પુત્રી સાથે મોપેડ પર પોતાના ભાઈ ઈમરાન સાથે ઉનથી ભેસ્તાન આવાસ પોતાના ઘર તરફ જવા માટે નીકળ્યા હતા. દરમિયાન ભેસ્તાન બિજ ચઢતી વખતે બેફામ દોડી રહેલા ડમ્પરે મોપેડને અડફેટે લેતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. કાળમુખા ડમ્પરના ચાલકે મોપેડને ટક્કર મારતાં રૂકસાર સૈયદ અને પુત્રી જૈનબનું ઘટનાસ્થળે જ મોત નીપજયું હતું. જ્યારે રૂકસારના ભાઈ સહિત અન્ય એક પુત્રીને સામાન્ય ઈજા પહોંચી હતી. સ્થાનિકોએ ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરી હતી. ટીમ સ્થળ પર પહોંચી હતી અને રૂકસાર અને જૈનબને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ માતા-પુત્રીને મૃત જાહેર કરતાં પરિવારના માથે આભ તૂટી પડયું હતું. ઘટના સ્થળે પહોંચેલી પોલીસ દ્વારા ડમ્પરચાલક આશિષ પ્રેમશંકર દુબે (ઉ.વ.૩૨, રહે. ગોડાદરા આસપાસ) અને ડમ્પર માલિક મ્પરના માલિક હીરાલાલ પાટીલ સામે ગુનો નોંધી તપાસ હાથધરી હતી. અકસ્માત બાદ ડમ્પર ચાલક આશિષ પ્રેમશંકર દુબેની ધરપકડ કરી લેવામાં આવી હતી. જ્યારે આજરોજ ડમ્પરના માલિક હીરાલાલ પાટીલની પણ ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છેકે જાહેરનામાનો ભંગ કર્યો હોવાથી ડમ્પર ચાલકની સાથે ડમ્પર માલિકની સામે પણ ફરિયાદ નોંધ તેને કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.