ખેડા જિલ્લાની કેટલીક પ્રાથમિક શાળાઓમાં શિક્ષણ રામ ભરોસે
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
21, જુન 2026  |   2673

ગળતેશ્વર અને ઠાસરા તાલુકા સહિત ખેડા જિલ્લામાં સરકારી પ્રાથમિક શિક્ષણનું સ્તર તળિયે બેસી ગયું છે. નિયમોને ઘોળીને પી જનારા કેટલાક શિક્ષકો, આચાર્યો અને ફરજ પ્રત્યે ઘોર બેદરકારી દાખવતા શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓની કથીત જુગલબંદીને કારણે ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોનું ભવિષ્ય અંધકારમય બની રહ્યું છે. તંત્રની આ ઘોર નિષ્ક્રિયતા સામે વાલીઓમાં ભારે રોષ જાેવા મળી રહ્યો છે.

હાલ શાળાઓનો સવારનો સમય ૭ થી ૧૨ વાગ્યાનો હોવા છતાં, કેટલાક ગુલ્લીબાજ શિક્ષકો પોતાના ઘરેથી જ આરામથી ૭ વાગ્યે નીકળે છે. શાળાના સમયે વર્ગખંડમાં હોવાના બદલે આ શિક્ષકો રસ્તા પર મુસાફરી કરતા જાેવા મળે છે. નિયમિતતા અને સમયપાલનના પાઠ ભણાવતા ગુરુજીઓ પોતે જ ક્યારેય સમયસર શાળાએ પહોંચતા નથી.સરકારી શાળાઓની આ બરબાદી અને મુઠ્ઠીભર શિક્ષકોની કામચોરીને કારણે ગરીબ વાલીઓ પેટ કાપીને પણ પોતાના બાળકોને મોંઘીદાટ ખાનગી શાળાઓમાં  મોકલવા મજબૂર બન્યા છે. સરકારી શિક્ષણ તંત્રની આ લાપરવાહી ગરીબોના શિક્ષણના અધિકાર પર સીધો પ્રહાર છે. જાે વહેલી તકે આ ગુલ્લીબાજ શિક્ષકો અને આંખ આડા કાન કરતા અધિકારીઓ સામે કડક કાયદાકીય પગલાં નહીં લેવાય, તો સરકારી શિક્ષણનું સ્તર તળીયે જવાની સંભાવના છે. ઉલ્લેખનીય છે કે તાલુકા અધિકારીની ચાપલુસી કરીને કેટલાક તત્વો શિક્ષણના પવિત્ર વ્યવસાયને કલંકિત કરીને ખાનગી અને ગેરકાયદેસર સ્ટેશનરીના કાળા કારોબાર ધમધમાવી રહ્યા છે.ઉપરાંત કોર્ટ કેસ ચાલુ હોવા છતાં આવા કેટલાક એચ.ટાટ આચાર્યોને બીટ કેળવણી નિરીક્ષકનો ચાર્જ કેવી રીતે સોંપી દેવાયો? તેવો સવાલ જિલ્લાભરના શિક્ષક આલમમાં ઉઠી રહ્યો છે.

ડીપીઈઓ પણ અંધારામાં : ઓચિંતી તપાસના નામે ‘મીંડું’

આ આખા ગોરખધંધા અને આળસથી કેટલાક તાલુકાના સંપૂર્ણ ટીપીઈઓ સંપૂર્ણ વાકેફ હોવા છતાં, કયા ‘વહીવટ’ના કારણે આંખ આડા કાન કરી રહ્યા છે તે તપાસનો વિષય છે. બીજી તરફ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી જાણે કે ગાઢ નિદ્રામાં હોય તેમ ક્યારેય ઠાસરા-ગળતેશ્વર સહિતના તાલુકાઓની શાળાઓમાં ઓચિંતી મુલાકાત લેવાની તસ્દી લેતા ન હોય તેવી હાલત છે. માત્ર તાલુકાના કામચોર અધિકારીઓના ભરોસે ‘સબ સલામત’ના કાગળો પર સહીઓ કરતા રહ્યાની ચર્ચાઓ ચાલી રહી છે.

૬૦-૭૦ કિમીનું અપ-ડાઉન : હેડક્વાર્ટર છોડી શહેરોની મોહમાયા!

નિયમ મુજબ દરેક આચાર્ય અને શિક્ષકે પોતાના ફરજની જગ્યાએ એટલે કે હેડક્વાર્ટર ઉપર રહેવાનું હોય છે. પરંતુ આ સરકારી બાબુઓ નિયમોને ઘોળીને પી ગયા છે. આરામદાયક શહેરી જીવન જીવવા માટે તેઓ ૬૦ થી ૭૦ કિલોમીટર દૂરથી અપ-ડાઉન કરે છે. રોજની આ લાંબી મુસાફરીના કારણે તેઓ શાળાએ પહોંચતા સુધીમાં જ ‘ઊર્જા વિહીન’ (થાકેલા) થઈ જાય છે, પરિણામે બાળકોને ભણાવવામાં તેમને કોઈ રસ રહેતો ન હોય તેવી ફરિયાદો વાલીઓમાં પણ ઉઠી રહી છે.

બીઆરસી, સીઆરસી અને ટીપીઈઓની શંકાસ્પદ ભૂમિકા: માત્ર નોટિસોનો ડોળ!

શાળાઓની દેખરેખ રાખવાની જેમની મુખ્ય જવાબદારી છે તેવા સીઆરસી, બીઆરસી, બીટ કેળવણી નિરીક્ષકો અને ટીપીઈઓ કુંભકર્ણની નિદ્રામાં હોય તેવી હાલત જાેવા મળે છે.કેટલાક ઇનચાર્જ બીટ નિરીક્ષક પોતાની મૂળ શાળાને ભગવાન ભરોસે મૂકીને, પોતાની કામગીરી બતાવવા ખાતર અન્ય શાળાઓમાં નોટિસો ફાડવાનો ડોળ કરતા હોવાની ચર્ચા છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution