ચાર્જમાં મૂકેલી ઇવી સ્કૂટીથી નોઇડાના મકાનમાં આગ, ૨ લોકો જીવતાં ભૂંજાયાં 
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
15, જુલાઈ 2026  |   2079

નોઇડામાં બુધવારે બપોરે ૫ માળના મકાનમાં આગ લાગી ગઈ. આ દુર્ઘટનામાં ૨ લોકોના મોત થયા, જ્યારે એક બાળક અને એક યુવતી ગંભીર રીતે દાઝી ગયા. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર ઇલેક્ટ્રિક સ્કૂટી ચાર્જ થઈ રહી હતી, આ દરમિયાન તેમાં ધડાકો થયો અને આગ લાગી ગઈ. જાેતજાેતામાં આગ આખી બિલ્ડિંગમાં ફેલાઈ ગઈ. ફાયર બ્રિગેડની ૭ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી. બિલ્ડિંગમાં રહેતા લગભગ ૫૦ પરિવારોને બચાવવામાં આવી રહ્યા છે. ઘટનાના વીડિયો પણ સામે આવ્યા છે. તેમાં દેખાઈ રહ્યું છે કે બે ઇમારતોની છત વચ્ચે સીડીઓ લગાવવામાં આવી છે. આના સહારે લોકો બીજી બિલ્ડિંગમાં જઈ રહ્યા છે. હાલમાં, પોલીસે બિલ્ડિંગ માલિકને કસ્ટડીમાં લીધો છે. આગ સેક્ટર-૬૬ના મમુરા વિસ્તારમાં લાગી છે. આ ભીડભાડવાળો વિસ્તાર છે. અહીં નોકરી કરતા લોકો પરિવાર સાથે રહે છે. બિલ્ડિંગમાં ગ્રાઉન્ડ ફ્લોર પર ઇલેક્ટ્રિક સ્કૂટી ચાર્જિંગ દરમિયાન આગ લાગી. ઘણી ગાડીઓ બળીને રાખ થઈ ગઈ છે.મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ ઘટનાની ગંભીર નોંધ લીધી છે. તેમણે અધિકારીઓને તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચવાના નિર્દેશ આપ્યા છે. આ સાથે જ રાહત અને બચાવ કામગીરી ઝડપી કરવા તેમજ ઈજાગ્રસ્તોને શ્રેષ્ઠ સારવાર આપવા જણાવ્યું છે. મુખ્યમંત્રીએ તંત્રને સતર્ક રાહત કામગીરી પર સતત નજર રાખવાના પણ નિર્દેશ આપ્યા છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution