વારસામાં મળેલી ખેતીની જમીન વેચતી વખતે પણ પરિવારના સભ્યોનો ‘પહેલો અધિકાર’ રહેશે 
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
15, જુલાઈ 2026  |   2376

વારસામાં મળેલી ખેતીની જમીનના વેચાણ અને કૌટુંબિક હક્કોને લઈને સુપ્રીમ કોર્ટે એક અત્યંત મહત્વપૂર્ણ અને ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે, હિંદુ ઉત્તરાધિકાર અધિનિયમ, ૧૯૫૬ની કલમ ૨૨ હેઠળ મળતો પ્રાથમિક ખરીદીનો અધિકાર માત્ર રહેણાંક મિલકતો પૂરતો મર્યાદિત નથી, પરંતુ તે કૃષિ જમીન પર પણ સમાન રીતે લાગુ પડે છે. સર્વોચ્ચ અદાલતે ‘મહિન્દર વિરુદ્ધ પુરણ સિંહ’ કેસની સુનાવણી દરમિયાન આ મહત્વનો કાયદાકીય સિદ્ધાંત પ્રસ્થાપિત કર્યો છે. કેસની વિગતો મુજબ, પિતા અથવા પૂર્વજના અવસાન બાદ કૃષિ જમીન કાયદેસરના ક્લાસ-૧ (પ્રથમ શ્રેણીના) વારસદારોને વારસામાં મળી હતી. આ પૈકીના કેટલાક ભાઈ-બહેનોએ પોતાના હિસ્સાની જમીન પરિવારની બહારની કોઈ તૃતીય વ્યક્તિને વેચવાનો ર્નિણય કર્યો હતો. જેની સામે પરિવારના જ અન્ય વારસદારે કોર્ટમાં દાવો કર્યો હતો કે, કાયદા અનુસાર આ જમીન ખરીદવાનો પ્રથમ અધિકાર તેમનો છે. આ વિવાદ આખરે સુપ્રીમ કોર્ટ સમક્ષ પહોંચ્યો હતો. આ કેમની સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે, જાે વારસામાં મળેલી મિલકત ખેતીની જમીન હોય, તો પણ તેના પર કલમ ૨૨ લાગુ પડે છે. કોઈ પણ પ્રથમ શ્રેણીના વારસદાર પોતાનો હિસ્સો બહારની વ્યક્તિને વેચે તે પહેલાં, તેણે પરિવારના અન્ય પ્રથમ શ્રેણીના વારસદારોને તે ખરીદવાની પ્રથમ તક આપવી જ પડશે. અદાલતે જણાવ્યું કે, જાે જમીનનું વેચાણ સત્તાવાર રીતે પૂર્ણ ન થયું હોય પરંતુ તે પહેલાં જ જાે અન્ય વારસદાર પોતાનો ખરીદીનો પ્રાથમિક અધિકાર દર્શાવી દે, તો તેનો દાવો કાયદેસર રીતે માન્ય ગણાશે. સામે પક્ષે એવી દલીલ કરાઈ હતી કે કૃષિ જમીન રાજ્યનો વિષય હોવાથી કેન્દ્રની સંસદ આ અંગે કલમ ૨૨ લાગુ કરી શકે નહીં. જાેકે, સુપ્રીમ કોર્ટે આ દલીલ ફગાવતા કહ્યું કે કલમ ૨૨ એ જમીન વહીવટ અંગે નહીં, પરંતુ વારસાઈનો વિષય છે, જે સંયુક્ત યાદીમાં આવે છે. તેથી સંસદ પાસે આ કાયદો બનાવવાની સંપૂર્ણ સત્તા છે. કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે ‘પંજાબ પ્રી-એમ્પશન એક્ટ’ની કલમ ૧૫ લોહીના સંબંધોના આધારે વ્યાપક અધિકાર આપે છે, જ્યારે ‘હિંદુ ઉત્તરાધિકાર અધિનિયમ‘ની કલમ ૨૨ માત્ર પ્રથમ શ્રેણીના વારસદારો પૂરતો જ મર્યાદિત વિશેષ આધિકાર છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution