દરેક ભારતીયના માથે પર ૪.૮ લાખનું દેવું! બે વર્ષમાં ૯૦ હજાર રૂપિયાનો વધારો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
01, જુલાઈ 2025  |   41184


નવી દિલ્હી,દરેક ભારતીયનું સરેરાશ દેવું ૪.૮ લાખ રૂપિયા છે. માર્ચ ૨૦૨૩માં તે ૩.૯ લાખ રૂપિયા હતું. છેલ્લા બે વર્ષમાં તેમાં ૨૩%નો વધારો થયો છે. એટલે કે, દરેક ભારતીયનું સરેરાશ દેવું ૯૦,૦૦૦ રૂપિયા વધ્યું છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઇ)એ તેના જૂન ૨૦૨૫ના ફાઈનાન્સિયલ સ્ટેબિલિટી રિપોર્ટમાં આ માહિતી આપી છે. દેવામાં વધારો થવાનો અર્થ એ છે કે લોકો પહેલા કરતાં વધુ ઉધાર લઈ રહ્યા છે. આમાં હોમ લોન, પર્સનલ લોન, ક્રેડિટ કાર્ડની બાકી રકમ અને અન્ય રિટેલ લોનનો સમાવેશ થાય છે. પર્સનલ લોન અને ક્રેડિટ કાર્ડ લેણાં જેવી નોન-હાઉસિંગ રિટેલ લોનમાં સૌથી વધુ વધારો જાેવા મળ્યો છે. આ લોન કુલ સ્થાનિક લોનના ૫૪.૯% હિસ્સો ધરાવે છે. હાઉસિંગ લોનનો હિસ્સો ૨૯% છે અને આમાંની મોટાભાગની લોન એવા લોકોની છે જેમણે પહેલાથી જ લોન લીધી છે અને ફરીથી લઈ રહ્યા છે.

આરબીઆઇ મુજબ ભારત પર તેના કુલ જીડીપીના ૪૨% દેવું છે. સ્થાનિક દેવું હજુ પણ અન્ય ઉભરતા અર્થતંત્રો કરતા ઓછું છે, જ્યાં તે ૪૬.૬% છે. એટલે કે, ભારતમાં દેવાની સ્થિતિ હાલમાં નિયંત્રણમાં છે. ઉપરાંત, મોટાભાગના દેવાદારોના રેટિંગ સારા છે, જેનો અર્થ એ છે કે તેમના તરફથી પૈસા ગુમાવવાનું જાેખમ ઓછું છે. રિઝર્વ બેંકે કહ્યું છે કે હાલમાં આ લોનથી કોઈ મોટું જાેખમ નથી. મોટાભાગના લોન લેનારાઓનું રેટિંગ સારું છે. તેઓ લોન ચૂકવવા સક્ષમ છે. માર્ચ ૨૦૨૫ સુધીમાં ભારતનું વિદેશી/બાહ્ય દેવું ૭૩૬.૩ બિલિયન ડોલર હતું, જે ગયા વર્ષ કરતા ૧૦% વધારે છે. આ જીડીપીના ૧૯.૧% છે. આમાં સૌથી મોટો હિસ્સો ૩૫.૫% નોન-ફાઇનાન્સ કોર્પોરેશનો, ૨૭.૫% ડિપોઝિટ લેતી સંસ્થાઓ અને ૨૨.૯% સરકારોનો છે. છેલ્લે, સામાન્ય લોકો માટે આનો અર્થ એ છે કે લોન લેવી પહેલા કરતાં વધુ સરળ બની ગઈ છે, પરંતુ દેવાનો બોજ પણ વધી રહ્યો છે. જાે તમે લોન લઈ રહ્યા છો, તો તમારી ચુકવણી ક્ષમતાને ધ્યાનમાં રાખો. આરબીઆઇની ફ્લેક્સિબલ મોનેટરી પોલિસી વ્યાજ દર ઘટાડી શકે છે. આનાથી લોન ચૂકવવાનું સરળ બની શકે છે, પરંતુ માઇક્રોફાઇનાન્સ લોન લેતી વખતે સાવચેત રહેવાની જરૂર છે. કારણ કે તેમના વ્યાજ દર ઊંચા હોઈ શકે છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution