સરકારની આ‌વક કરતાં ખર્ચ વધુઃ દેશમાં ભયંકર મંદીનો સંકેત
01, ઓગ્સ્ટ 2020 99   |  

દિલ્હી-

દેશની રાજકોષીય ખાધ ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રણ મહિનામાં વધીને ~ ૬.૬૨ લાખ કરોડ થઇ છે. જે બજેટના અંદાજોના આશરે ૮૩.૨ ટકા છે. કોરોના વાયરસ લોકડાઉનને કારણે કરવેરાની આવક ઘટતા આ સ્થિતિ સર્જાઇ છે. ગત વર્ષના આ ગાળામાં રાજકોષીય ખાધ બજેટના અંદાજોના ૬૧.૪ ટકા હતી. આ આંકડાઓ દેશમાં ભયંકર આર્થિક મંદીની ચાડી ખાય છે.

સરકારે ૨૦૨૦-૨૧ માટે રાજકોષીય ખાધનો અંદાજ ~૭.૯૬ લાખ કરોડ નક્કી કર્યો હતો. જે બજેટમાં જીડીપીના ૩.૫ ટકા જેટલો હતો. નાણાં મંત્રી નિર્મલા સીતારામને રજૂ કરેલા બજેટમાં આ અંદાજ મુકાયો હતો. જોકે આ કોરોનાની કટોકટીને કારણે આર્થિક મુશ્કેલી થતાં આ આંકડામાં નોંધપાત્ર ફેરફાર થઇ શકે છે. વાસ્તવિક સંદર્ભમાં જોઇએ તો રાજકોષીય ખાધ જૂનના અંતમાં ~૬,૬૨,૩૬૩ કરોડ થઇ હતી. કોન્ટ્રોલર જનરલ ઓફ એકાઉન્ટ્સે જારી કરેલા આંકડામાં આ જણાવાયું છે. ૨૦૧૯-૨૦માં રાજકોષીય ખાધ વધીને સાત વર્ષની સૌથી ઊંચી સપાટી ૪.૬ ટકાએ પહોંચી ગઇ હતી. રેવેન્યુ ઘટી જતાં અને માર્ચમાં લોકડાઉન આવી જતાં સ્થિતિ વણસી હતી. 

સીજીએના આંકડા મુજબ સરકારની આવક બજેટના અંદાજોના ૭.૪ ટકા અથવા ~૧,૫૦,૦૦૮ કરોડ રહી હતી. ગત નાણાકીય વર્ષના આ જ ગાળામાં આવક ૧૪.૫ ટકા હતી. કરવેરાની આવક નાણાકીય વર્ષના પહેલા ત્રણ મહિનામાં બીઇના ૮.૨ ટકા અથવા ~૧,૩૪,૮૨૨ કરોડ રહી હતી. ગત નાણાકીય વર્ષના પ્રથમ ત્રણ મહિનામાં આ આંકડો બીઇના ૧૫.૨ ટકા હતો. સરકારની કુલ આવક ૬.૮ ટકા અથવા ~૧,૫૩,૫૮૧ કરોડ રહી હતી. 

બજેટમાં સરકારે આ નાણાકીય વર્ષ માટે વેરાની આવક ~૨૨.૪૫ લાખ કરોડ અંદાજી હતી. સરકારનો કુલ ખર્ચ જૂનના અંતમાં બીઇના ૨૬.૮ કરોડ અથવા ~૮,૧૫,૯૪૪ લાખ કરોડ રહ્યો હતો. ગત નાણાકીય વર્ષના આ જ ગાળામાં કુલ ખર્ચ બીઇના ૨૫.૯ ટકા હતો. 

આંકડામાં વધુમાં દર્શાવાયું છે કે જૂન સુધી સરકાર દ્વારા ટેક્સના ફાળા દ્વારા રાજ્ય સરકારોને ~૧,૩૪,૦૪૩ કરોડ ટ્રાંસફર કરાયા હતા. જે ગત વર્ષની સરખામણીએ ~૧૪,૫૮૮ કરોડ ઓછો હતો. કુલ મહેસૂલ ખર્ચમાંથી વ્યાજની ચુકવણીપેટે ~૧,૬૦,૪૯૩ કરોડ ફાળવાયા હતા જ્યારે મહત્વની સબસિડીપેટે ~૭૮,૯૬૪ કરોડનો ખર્ચ કરાયો હતો.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution