લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
15, જુલાઈ 2026 |
1980
સુરત ગ્રામ્ય એલ.સી.બી. પોલીસની ટીમે બાતમીના આધારે કામરેજ તાલુકાના ધાતવા ગામે એક ઘરની પાછળ રેડ કરીને ગેરકાયદેસર રીતે ચાલતી નોન-આલ્કોહોલિક ફૂટ બીયર બનાવવાની ફેક્ટરી ઝડપી પાડી છે. ફૂડ લાયસન્સની મુદત પૂરી થઈ ગઈ હોવા છતાં આ પ્રવૃત્તિ ધમધમી રહી હતી, જેથી ફૂડ સેફ્ટી વિભાગે સ્થળ પર પહોંચીને કુલ રૂપિયા ૧,૭૮,૧૧૦ નો મુદ્દામાલ સીઝ કર્યો છે.
એલ.સી.બી. પી.એસ.આઈ. એ.એન. ચૌહાણ અને તેમની ટીમને બાતમી મળી હતી કે, ધાતવા ગામના લીંબડી ફળિયામાં રહેતા ધનાલાલ ગુર્જર નામના ઈસમે પોતાના ઘરની પાછળના ભાગે આવેલા વાડામાં પતરાંનો શેડ બનાવ્યો છે. ત્યાં ડુપ્લીકેટ બીયરનું ઉત્પાદન કરીને તેનો જથ્થો ઘરમાં સંગ્રહ કરવામાં આવ્યો છે. આ બાતમીના આધારે પોલીસે ૧૩ જુલાઈના રોજ દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન સામે આવ્યું કે, ફૂડ લાયસન્સની વેલિડિટી પૂર્ણ થઈ ગઈ હોવા છતાં આ ગેરકાયદે ઉત્પાદન ચાલુ હતું. પોલીસે ઘટનાસ્થળેથી રૂપિયા ૧૭,૫૨૦ ની કિંમતની નોન-આલ્કોહોલિક ફૂટ બીયરની ૫૮૪ નંગ બોટલો તેમજ રૂપિયા ૯૭,૫૦૦ ની કિંમતની બીયર બનાવવાની મશીનરી જપ્ત કરી હતી. આ ઉપરાંત, ત્યાંથી એક્સપાયર થઈ ગયેલા નોન-આલ્કોહોલિક એનર્જી ડ્રીન્ક્સ અને કાર્બોનેટેડ સોડાનો ૫૫૨ નંગ જથ્થો કિંમત રૂપિયા ૬૩,૩૬૦ પણ મળી આવ્યો હતો, જેનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. સુરત ફૂડ સેફ્ટી અધિકારી દ્વારા આ તમામ મુદ્દામાલ સીઝ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ સમગ્ર મામલે કામરેજ પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ ગુનો નોંધીને એલ.સી.બી.ના પી.એસ.આઈ એ.એન. ચૌહાણ દ્વારા આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.