લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
08, જુન 2026 |
3663
પલસાણા તાલુકાનાં ઇંટાળવા ગામે આવેલી જમીનનાં સોદામાં રૂંગટા ડેવલપર્સ સાથે ૧.૨૭ કરોડનું ફ્રોડ થયું હતું. અવેજ લીધા બાદ આ જમીનનો અન્યને રજિસ્ટર્ડ સાટાખત કરી અપાતાં માલિકો અને દલાલ સામે ગુનો નોંધાયો હતો. ઇકો સેલે દલાલ ઇલ્યાસ કાકુની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. આર્થિક ગુના નિવારણ શાખા પાસે મળતી માહિતી અનુસાર રૂંગટા ડેવલપર્સનાં અનિલ સત્યનારાયણ રૂંગટા વ્યવસાયે બિલ્ડર છે. વેસુ વીઆઇપી રોડ ઉપર રૂંગટા શોપિંગ સેન્ટરમાં રૂંગટા ડેવલપર્સ નામે તેમની ઓફિસ છે. વર્ષ ૨૦૧૧માં જમીન દલાલીનું કામ કરતો ઇલ્યાસ અબ્દુલ કાકા (રહે, ગામ-ઇટાળવા તા.પલસાણા) રૂંગટાની ઓફિસે ગયો હતો. ઇલ્યાસે તેની પાસે ઇટાળવા ગામની જમીન વેચાણ માટે આવી હોવાનું જણાવ્યું હતું. જમીન માલિકો બે બ્લોક વેચાણ કરવા માંગતા હોવાનું જણાવી તેણે ડોક્યુમેન્ટ આપ્યા હતા. જેથી રૂંગટાએ દલાલ ઇલ્યાસ કાકુ મારફત એપ્રિલ-૨૦૨૧માં મીટિંગ કરી હતી.
જેમાં બ્લોક નં.૧૫૭ વાળી જમીનનો ૩,૭૧,૭૦,૦૦૦ તથા બ્લોક નં.૨૦૯ વાળી જમીનનો ૩,૩૦,૦૦,૦૦૦ અવેજ નક્કી કરી સોદો કરાયો હતો. સોદો થતાં બન્ને જમીનના ટોકન પેટે રોકડા ૨૦ લાખ રૂપિયા જુન ૨૦૨૧માં દલાલ ઇલ્યાસ અબ્દુલ કાકા રૂબરૂ જમીન માલિક યાહ્યા મહમુદ પટેલે અપાયા હતાં. ત્યારબાદ તેઓએ જુન ૨૦૨૩ સુધીમાં ચેકથી ૧,૨૮,૨૪,૮૦૦ તથા રોકડેથી ૩,૨૮,૬૦,૪૬૪ મળી કુલ ૪,૫૬,૮૫,૨૬૪ રૂપિયા ચૂકવી આપ્યા હતાં.
ઇટાળવા ગામના સરવે નંબર ૧૯૦, ૧૯૧ બ્લોક નંબર- ૨૦૯ વાળી જમીનના અવેજ પેટે ૩,૩૦ કરોડ જમા ગણી જાન્યુઆરી-૨૦૨૩માં વેચાણ દસ્તાવેજ કરી અપાયો હતો. જ્યારે બ્લોક નં. ૧૫૭ વાળી જમીન પેટે ૧,૨૬,૮૫,૨૬૪ રૂપિયા ચૂકવાયા હતાં. રૂંગટા તરફથી બાકીનાં ૨,૪૪, ૮૪,૭૩૬ રૂપિયા ચૂકવવાની તૈયારી દર્શાવી દસ્તાવેજ કરી આપવા દલાલ ઇલ્યાસ અબ્દુલ કાકા તથા જમીન માલીક યાહયા મહમુદ પટેલને અવાર નવાર કહ્યું હતું. જાે કે, તેઓએ જુદા જુદા બહાને સમય પસાર કર્યે રાખ્યો હતો. રૂગટાએ બ્લોક નં.૧૫૭ વાળી જમીનની સોદા ચિઠ્ઠી તથા અવેજ પેટે ૧,૨૬,૮૫,૨૬૪ રૂપિયા ચૂકવાયા ત્યારે હાજર અને રસીદોમાં સાક્ષી તરીકે સહી કરનાર દલાલ ઇલ્યાસ અબ્દુલ કાકાને આ અંગે વાત કરી દસ્તાવેજ કરાવી આપવા કહ્યું હતું. જાે કે, કાકાએ પણ મે કોઈ સહી કરી નથી એમ કહી હાથ ઉંચા કરી દીધા હતાં. જેથી અનિલ રૂંગટા તરફથી આ મામલે સંજય ઓમપ્રકાશ ભાઉવાલાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે (૧) મહમુદ ઇબ્રાહિમ પટેલ (૨) યાહયા મહમુદ પટેલ (૩) ઉમર મહમુદ પટેલ (૪) સુલેમાન ઇબ્રાહીમ પટેલ (૫) ફરીદા તે અબદુલ્હે પટેલની પુત્રી (૬) નશીમા તે અબદુલ્હે પટેલની પુત્રી (૭) યાસ્મીન અબદુલ્હે પટેલ (૮) મોહમ્મદ ઇકબાલ અબદુલ્હે પટેલ (૯) રશીદા અબદુલ્હે પટેલ (૧૦) ઝેબન ઇસ્માઇલ પટેલ (૧૧) અહમદ ઇસ્માઇલ પટેલ (૧૨) તાહેરાબીબી તે ઇસ્માઇલ પટેલની પુત્રી તથા મહમદની પત્ની (૧૩) યુસુફ ઇસ્માઇલ પટેલ (૧૪) નફીસા તે ઇસ્માઈલ પટેલની પુત્રી તથા અફઝલની પત્ની (૧૫) તુનુસ મહમુદ પટેલ (૧૬) ઇલ્યાસ અબ્દુલ કાકુ(દલાલ) સામે ગુનો નોંધી તપાસ આરંભી હતી.
૧.૨૭ કરોડ અવેજ લીધું એ જમીનનો માત્ર ૧૦ લાખમાં અન્યને સાટાખત કરી આપ્યો
ઇકો સેલે તપાસ હાથ ધરતાં એવું બહાર આવ્યું હતું કે, જમીન માલિકોને હાથ પર રાખી દલાલ ઇલ્યાસ અબ્દુલ કાકાએ મોટો ખેલ કર્યો હતો. બ્લોક નંબર ૧૫૭ વાળી જમીન પેટે રૂંગટા પાસે ૧,૨૬,૮૫,૨૬૪ રૂપિયા લેવાયા હોવા છતાં તેનો બીજે સોદો કરી નાંખ્યો હતો. માલિક સાથે મળી આ જમીન અબુબકર સુલેમાન પટેલને વેચી દેવાઇ હતી. એટલું જ નહીં ૧૦ લાખ રૂપિયા અવેજ લીધાનો ઉલ્લેખ કરી ૧૪ ઓકટોબર, ૨૦૨૫ ના રોજ પલસાણા સબ રજિસ્ટ્રાર ખાતે સાટાખત રજિસ્ટર પણ કરાવ્યો હતો. આ વાત બહાર આવતા ઇકો સેલે વોચ ગોઠવી ઇલ્યાસ અબ્દુલ કાકુ (રહે, નાનું ફળીયુ, ગામ-સામરોદ તા.પલસાણા જી-સુરત)ની ધરપકડ કરી હતી.