લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
25, ડિસેમ્બર 2025 |
9603
ચિત્રદુર્ગ, કર્ણાટકના ચિત્રદુર્ગ જિલ્લાના હિરિયૂર તાલુકામાં આજે સવારે એક ભયાનક માર્ગ અકસ્માતમાં ઓછામાં ઓછા ૧૭ લોકોનાં મોત થયા છે. રાષ્ટ્રીય ધોરીમાર્ગ-૪૮ પર ગોરલાથુ ક્રોસ પાસે એક સ્લીપર બસ અને સામેથી આવતી ટ્રક વચ્ચે જાેરદાર ટક્કર થઈ હતી. ટક્કર એટલી ભીષણ હતી કે બસમાં આગ ફાટી નીકળી હતી, જેમાં મુસાફરો અંદર જ ફસાઈ ગયા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, હિરિયૂરથી બેંગલુરુ તરફ જઈ રહેલી ટ્રકના ડ્રાઈવરે કાબૂ ગુમાવતા ડિવાઈડર કૂદીને રોંગ સાઈડમાં બેંગલુરુથી શિવમોગ્ગા જઈ રહેલી સ્લીપર બસ સાથે અથડાઈ હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે સ્લીપર કોચ બસ આગના ગોળામાં ફેરવાઈ ગઈ હતી. અકસ્માત બાદ બસ સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ, જેના કારણે બચાવ અને રાહત કાર્યમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. કેટલાક મુસાફરો કોઈક રીતે બસમાંથી બહાર નીકળવામાં સફળ રહ્યા હતા, પરંતુ તેઓ ગંભીર રીતે દાઝી ગયા હતા. તમામ ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
ટ્રકના ડ્રાઈવર સહિત ૧૭ લોકો આગમાં જીવતા બળીને મૃત્યુ પામ્યા હોવાનું માનવામાં આવે છે. જાેકે, પોલીસે કહ્યું કે મૃતકોનો સત્તાવાર આંકડો ઓળખ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થઈ શકશે. પ્રાથમિક તપાસમાં ટ્રક ચાલકની બેદરકારીને અકસ્માતનું મુખ્ય કારણ માનવામાં આવી રહ્યું છે.
તામિલનાડુમાં બસે ૨ કારને કચડી, ૯નાં મોત
તામિલનાડુમાં તિરુચિરાપલ્લીથી ચેન્નઈ જઈ રહેલી રોડવેઝ બસનું સ્ટેટ હાઈવે પર ટાયર ફાટી ગયું હતું. બસ અનિયંત્રિત થઈને ડિવાઈડર પર ચઢી ગઈ અને બીજી લેનમાં ઘૂસી ગઈ હતી, જ્યાં સામેથી આવી રહેલી ૨ કારને કચડી નાખી હતી. બંને કાર બસની નીચે ફસાઈને એનો સંપૂર્ણપણે કચ્ચરઘાણ નીકળી ગયો હતો.આ ગોઝારા અકસ્માતમાં ૯ લોકોનાં મોત નીપજ્યાં હતા.