લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
22, જુન 2026 |
1287
WMO અને NASAએ ચેતવણી આપી છે કે, વર્ષ ૨૦૨૬માં અલ-નીનો સક્રિય રહેશે. ભારતમાં ચોમાસું નબળું રહેવાની, જુલાઈ-ઓગસ્ટમાં ૫૦-૭૦% ઓછો વરસાદ પડવાની અને ભીષણ લૂ આવવાની આશંકા છે. જેથી જળ સંકટ ઘેરું બની શકે છે. વિશ્વ હવામાન વિજ્ઞાન સંગઠનએ ચેતવણી આપી છે કે, પ્રશાંત મહાસાગરમાં અલ-નીનોની સ્થિતિ ઝડપથી વિકસી રહી છે, જે વર્ષના અંત સુધી યથાવત રહી શકે છે. જૂનથી ઓગસ્ટ દરમિયાન ૮૦ ટકા અને નવે. સુધીમાં ૯૦ ટકાથી વધુ સંભાવના છે કે, અલ-નીનો સક્રિય રહેશે. આ કુદરતી આબોહવા પરિવર્તનની ઘટના ભારતના ચોમાસા, તાપમાન અને કૃષિ ક્ષેત્રને ખરાબ રીતે પ્રભાવિત કરી શકે છે. ભારતીય હવામાન વિભાગ એ પહેલાથી જ ચોમાસું સામાન્ય કરતાં ઓછું રહેવાની આગાહી કરી છે.અલ-નીનો આ સ્થિતિને વધુ ગંભીર બનાવી રહ્યું છે. આ વખતે જુલાઈ અને ઓગસ્ટમાં દેશના ઘણા ભાગોમાં વરસાદ સામાન્ય કરતાં ૫૦ થી ૭૦ ટકા ઓછો થઈ શકે છે. ઉત્તર, ઉત્તર-પશ્ચિમ, પશ્ચિમ અને દક્ષિણ ભારતમાં તાપમાન સરેરાશ કરતાં વધુ રહેવાની સંભાવના ૬૦-૭૦ ટકા છે. NASAની સેટેલાઇટ તસવીરોએ પણ પુષ્ટિ કરી છે કે, ટ્રોપિકલ પેસિફિકમાં ગરમ પાણી ફેલાઈ રહ્યું છે. ટ્રેડ વિન્ડ્સ નબળા પડવા અને સમુદ્રની સપાટી ઊંચી આવવાને કારણે અલ-નીનોની શરૂઆત દેખાઈ રહી છે. સતત ત્રણ વર્ષના લા-નીના બાદ હવે અલ-નીનો પરત ફરી રહ્યું છે, જે હવામાનને વધુ અનિશ્ચિત બનાવી રહ્યું છે.જૂન સુધીમાં દેશમાં પહેલાથી જ ૪૦-૪૬ ટકા વરસાદની અછત નોંધાઈ ચૂકી છે.