બિયર બાર સહિતના એકમોને સાત દિવસમાં ગેરકાયદે બાંધકામ દૂર કરવા આખરી નોટિસ
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
18, નવેમ્બર 2026  |   2475

નડિયાદના કોલેજ રોડ પર દિવાળીના બેસતા વર્ષના દિવસે સર્જાયેલી ભીષણ આગની દુર્ઘટના બાદ ૧૦ દિવસમાં નડિયાદ મહાનગરપાલિકા તંત્ર હરકતમાં આવ્યું છે. આગમાં મગ પુલાવની દુકાનથી શરૂ થયેલી જ્વાળાઓએ કપડાં, નાસ્તા અને બિયર બાર સહિત કુલ ૮ દુકાનોને ઝપેટમાં લીધી હતી. આ દુર્ઘટના બાદ દુકાનોમાં ફાયર સેફ્ટીની પ્રાથમિક સુવિધાઓનો અભાવ સામે આવ્યો હતો. હવે મહાનગરપાલિકાએ ગેરકાયદે બાંધકામો અને રહેણાંક મિલકતોના કોમર્શિયલ ઉપયોગ સામે કડક કાર્યવાહી શરૂ કરી છે. મહાનગરપાલિકા કમિશનર કિરણ ઝવેરીની અધ્યક્ષતામાં ઉચ્ચ અધિકારીઓની બેઠક યોજાઈ હતી. ફાયર વિભાગના રિપોર્ટ તેમજ ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા અગાઉ આપવામાં આવેલી નોટિસના આધારે ગેરકાયદે બાંધકામ કરનારા સંચાલકો અને જમીનમાલિકો સામે કાર્યવાહી કરવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. રહેણાંક હેતુ માટેની જમીન પર ગેરકાયદે બાંધકામ કરીને વેપારી પ્રવૃત્તિઓ ચલાવનારાઓને નોટિસ પાઠવવામાં આવી છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution