વેબ પોર્ટલ પિંકવિલામાં કહેવામાં આવ્યું છે કે આનંદ એલ રાય પોતાની ફિલ્મ માટે લીડિંગ એક્ટરની શોધમાં હતા. આ રોલ સ્પેશિયલ તથા મહત્ત્વનો હતો. સૌ પહેલાં તેમણે રીતિક રોશનને આ રોલ ઓફર કર્યો હતો. જોકે, રીતિકે ફિલ્મમાં કામ કરવાની ના પાડી દીધી હતી.

ત્યારબાદ આ રોલ અક્ષય કુમારને ઑફર કરવામાં આવ્યો હતો. અક્ષય કુમાર ડિરેક્ટર આનંદ એલ રાયને બહુ જ માન આપે છે અને તેથી જ તેણે આ રોલ તરત જ સ્વીકારી લીધો હતો. અક્કીએ માત્ર બે અઠવાડિયા જ શૂટિંગ કરવાનું છે.  અક્ષય કુમાર આવતા મહિને ઈંગ્લેન્ડમાં ‘બેલ બોટમ’ના શૂટિંગ કરશે.

આ ફિલ્મના શૂટિંગ બાદ અક્ષય કુમાર ડિરેક્ટર આનંદ એલ રાયની ફિલ્મ ‘અતરંગી રે’નું શૂટિંગ શરૂ કરશે. ધનુષ-સારા સ્ટારર આ ફિલ્મમાં અક્ષય કુમારનો સ્પેશિયલ રોલ છે. અક્ષય કુમારને આ ફિલ્મ માટે 27 કરોડ રૂપિયા મળ્યા હોવાની ચર્ચા છે. આ ફિલ્મ માટે અક્ષય કુમાર માત્ર બે અઠવાડિયા એટલે કે 14 દિવસ જ શૂટિંગ કરવાનો છે.