વેસુમાં હાઈરાઈઝ બિલ્ડિંગના ૯મા માળે આગ લાગતાં અફરાતફરી, ૧૧ લોકોનું દિલધડક રેસ્ક્યૂ
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
22, મે 2026  |   2079

શહેરનાં વેસુ વિસ્તારમાં આવેલી એક હાઈરાઈઝ બિલ્ડિંગનાં નવમાં માળે વહેલી સવારે આગ લાગી હતી. ગણતરીની મિનિટોમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા બિલ્ડિંગમાં વસવાટ કરતા રહીશોના જીવ તાળવે ચોટ્યાં હતા. ઉપરનાં ત્રણ માળમાં રહેતા ૧૧ લોકો પોતાનો જીવ બચાવવા અગાશી પર ચઢી ગયા હતા. ફાયરબ્રિગ્રેડનાં જવાનોએ તમામનું રેસ્ક્યુ કરી હેમખેમ બચાવી લીધા હતા. અઢી કલાકની ભારે જહેમત બાદ આગ સંપૂર્ણ કાબુમાં આવી હતી. ભીષણ આગમાં તમામ ઘરવખરી સામાન બળીને ખાક થઇ ગયો હતો. સદનસીબે આ બનાવમાં કોઈ ઇજા જાનહાની થવા પામી નથી.

વેસુ કેનાલ રોડ ખાતે આવેલ અગ્રવાલ સ્કુલની પાછળ જૈનમ ગ્રાન્ડ અલ્ટીમા નામની ૧૨ માળની હાઇરાઇઝ બિલ્ડિંગ કોમ્પ્લેક્સ આવેલું છે. આ બિલ્ડિંગનાં સી- ટાવરના નવમાં માળ ઉપર આવેલા ફ્લેટ નંબર સી-૯૦૩નાં માલિક અશોક ભોગીલાલ શાહ મુંબઈમાં વસવાટ કરતા હોવાથી હાલમાં તેમનું ઘર બંધ હતું. આજે સવારે પોણા ૯ વાગ્યાનાં અરસામાં અચાનક જ ઘરમાં આગ લાગી ગઈ હતી. ગણતરીની મિનિટોમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગ લાગતાની સાથે જ બિલ્ડિંગની બહાર સુધી આગની લપટો અને ધુમાડાના ગોટેગોટા દેખાવા લાગ્યા હતા. ત્યારે આ સમગ્ર પરિસ્થિતિ જાેઈને આસપાસના લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. બીજી તરફ આગની આ ઘટના અંગે જાણ થતા બિલ્ડીંગમાં ૧૦, ૧૧, અને ૧૨માં માળ પર વસવાટ કરતા રહીશો ગભરાઈ ગયા હતા અને પોતાના ફ્લેટોમાંથી બહાર નીકળીને જીવ બચાવવા અગાસી પર ચઢી ગયા હતા. આ ઘટના અંગે જાણ કરવામાં આવતા વેસુ, ભીમરાડ, માનદરવાજા અને મજુરા સહિત અલગ અલગ ચાર ફાયર સ્ટેશનોથી ફાયર બ્રિગેડના જવાનોનો કાફલો ૫૫ મીટરનાં ટર્નટેબલ લેડર સહિતની ગાડીઓ સાથેનો ફાયરબ્રિગ્રેડ વિભાગનો કાફલો ઘટના સથળે પહોંચ્યો હતો. એક તરફ ફાયરબ્રિગ્રેડના જવાનો દ્વારા પાણીનો મારો કરી આગને કાબુમાં કરવા સાથેની કામગીરી તાત્કાલિક હાથ ધરવામાં આવી હતી. જયારે બીજી તરફ ટેરેસ પર ફસાઈ ગયેલા લોકોને રેસ્ક્યુ કામગીરી હાથ ધરી ટેરેસ પર ફસાયેલા કુલ ૧૧ લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. ભીષણ આગના કારણે સંપૂર્ણ ઘર વખરી સામાન બળીને ખાક થઇ ગયો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution