ડભોલીમાં જીવતા જ્વાળામુખી જેવાં ટેમ્પરરી સ્ટ્રક્ચરના ૪ ગોડાઉનમાં લાગેલી આગ ૯ કલાકે કાબૂમાં આવી
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
22, મે 2026  |   1980

સુરત શહેરના કતારગામ વિસ્તારના ડભોલીમાં તુલસી ચોક નજીક લક્ષ્મી પેલેસ પાસે ટેમ્પરરી સ્ટ્રકચરનાં ગોડાઉનોમાં મધરાત્રે ભીષણ આગ લાગી હતી. ઓનલાઈન માલ વેચવાના ગોડાઉનમાં લાગેલી આ આગે થોડી જ વારમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી જવા પામી હતી. ઘટનાની જાણ થતા શહેરના વિવિધ ૮ ફાયર સ્ટેશનોમાંથી ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક દોડી આવી હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. જાે કે આગને સંપૂર્ણ કાબુમાં લેવામાં ૯ કલાક જેટલો સમય લાગ્યો હતો.

ડભોલી વિસ્તારમાં તુલસી ચોક પાસે લક્ષ્મી પેલેસ પાસે ટેમ્પરરી સ્ટ્રક્ચરમાં બનાવવામાં આવેલા કુલ છ ગોડાઉન હતા. જેમાં ઓનલાઈન વેચાણ માટેનો વિવિધ પ્રકારનો માલસામાન રાખવામાં આવ્યો હતો. ગોડાઉનમાં અલગ અલગ ઇલેક્ટ્રોનિક ઉપકરણો, બાળકોના રમકડાં અને સાધનો, ઘરગથ્થુ ઉપયોગની વસ્તુઓ તેમજ વિવિધ એસેસરીઝનો મોટો જથ્થો સંગ્રહિત હતો. શુક્રવારની મધરાત્રે આશરે ૨.૩૦ વાગ્યે અચાનક એક ગોડાઉનમાં આગ ભભૂકી ઉઠતાં નજીકના અન્ય ગોડાઉનને પણ ઝપેટમાં લીધા હતા. ટેમ્પરરી સ્ટ્રક્ચર અને અંદર રહેલા જ્વલનશીલ સામાનને કારણે આગ ખૂબ ઝડપથી ફેલાઈ હતી. ઘટનાસ્થળેથી ધુમાડાના ગોટેગોટા આકાશમાં ઉડતા દેખાતા આસપાસના લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. સ્થાનિક લોકો તાત્કાલિક ઘરની બહાર દોડી આવ્યા હતા અને વિસ્તારમાં ભારે ગભરાટ ફેલાયો હતો. આગની ગંભીરતા જાેતા ડભોલી, કતારગામ, વરિયાવ, કોસાડ, પાલનપોર, મોટા વરાછા, જહાંગીરપુરા અને અડાજણ સહિતના ફાયર સ્ટેશનોમાંથી કુલ ૧૭ જેટલી ફાયર ગાડીઓ અને ફાયર બ્રિગેડ વિભાગની ટીમોને ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી. ફાયર જવાનો દ્વારા સતત પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધરાયા હતા. લગભગ ૯ કલાક સુધી સતત ચાલેલા રેસ્ક્યુ અને ફાયર ફાઇટિંગ ઓપરેશન બાદ આગ સંપૂર્ણપણે કાબૂમાં આવી હતી. આગની ઘટનામાં કુલ છમાંથી ચાર ગોડાઉન સંપૂર્ણપણે બળીને ખાક થઈ ગયા હતા. જ્યારે ફાયર બ્રિગેડની સતર્ક કામગીરીને કારણે બે ગોડાઉનને બચાવી લેવામાં સફળતા મળી હતી. પરંતુ ગોડાઉનમાં રહેલો મોટાપાયે માલસામાન બળીને ખાક થતાં લાખો રૂપિયાનું નુકસાન થયાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

સરથાણામાં ટેમ્પરરી સ્ટ્રક્ચરમાં આગ લાગતાં બે ગોડાઉન ખાક થઇ ગયાં

સરથાણા કેનાલ રોડ વિસ્તારમાં મેલડી માતાના મંદિર પાસે આવેલ પ્રમુખ કેમ્પસમાં આગ લાગવાની ઘટના બની હતી. ટેમ્પરરી સ્ટ્રક્ચરમાં બનાવવામાં આવેલી શ્રીજી સનલોગ અને જી.એસ.એન. કોર્પોરેશનની ઓફિસમાં લાગેલી આગને કારણે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સાંજે આશરે ૪.૫૦ વાગ્યાના અરસામાં અચાનક ઓફિસમાંથી ધુમાડા નીકળતા દેખાયા હતા અને થોડી જ વારમાં આગ ભભૂકી ઊઠી હતી. ત્રણ અલગ અલગ ફાયર સ્ટેશનોમાંથી ફાયર બ્રિગેડના જવાનોની ટીમો ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર જવાનો દ્વારા પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધરાયા હતા. ભારે જહેમત બાદ અંદાજે દોઢ કલાકમાં આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. આ ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી. 

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution