હાલોલના પૂર્વ ધારાસભ્ય ઉદેસિંહ બારિયાનું સારવાર દરમિયાન નિધન
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
22, માર્ચ 2026  |   વડોદરા   |   8118

હાલોલ વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય ઉદેસિંહ મોહનસિંહ બારીયાનું આજે વડોદરાની ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન નિધન થયું છે. તેઓ છેલ્લા એક મહિનાથી પિતાશયની બીમારીને કારણે સારવાર હેઠળ હતા. કોંગ્રેસના દિગ્ગજ નેતા ઉદેસિંહ બારીયાએ માત્ર ૨૭ વર્ષની નાની વયે રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. તેઓ પંચમહાલના યુવા નેતા તરીકે ઉભરી આવ્યા હતા અને જિલ્લાના રાજકારણમાં તેમની આગવી ઓળખ બનાવી હતી.

વર્ષ ૧૯૮૦માં તેઓ પ્રથમ વખત હાલોલ બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. ત્યારબાદ ૧૯૮૦ થી ૨૦૦૨ સુધી સતત આ બેઠક પરથી ધારાસભ્ય તરીકે સેવા આપી હતી. તેમણે સ્વર્ગસ્થ માધવસિંહ સોલંકીની સરકારમાં કાયદામંત્રી તરીકેની જવાબદારી નિભાવી હતી. ઉપરાંત, સ્વર્ગસ્થ અમરસિંહ ચૌધરીની સરકારમાં ગ્રામીણ વિકાસ અને વન મંત્રી તરીકે પણ સેવાઓ આપી હતી.

સંગઠનમાં પણ તેમનું યોગદાન નોંધપાત્ર રહ્યું હતું. તેઓ પ્રદેશ કોંગ્રેસના ઉપપ્રમુખ અને દક્ષિણ ગુજરાતના પ્રભારી રહી ચૂક્યા હતા. વર્ષ ૧૯૮૯માં તેઓ કોંગ્રેસ પક્ષના નાયબ નેતા તરીકે પણ કાર્યરત હતા. વર્ષ ૧૯૫૩માં જન્મેલા ઉદેસિંહ બારીયાએ એલએલબી સુધીનો અભ્યાસ કર્યો હતો. રાજકારણ ઉપરાંત તેઓ વકીલાત અને ખેતીના વ્યવસાય સાથે પણ સંકળાયેલા હતા. ટૂંકા સમયગાળા માટે તેઓ ભાજપમાં જાેડાયા હતા, પરંતુ બાદમાં ફરી કોંગ્રેસમાં સક્રિય થયા હતા. સ્વર્ગસ્થ ઉદેસિંહ બારીયાની અંતિમયાત્રા આવતીકાલે, ૨૩ માર્ચ, સોમવારના રોજ સવારે ૯.૦૦ કલાકે તેમના વતન મુ. ડુમા, તા. જાંબુઘોડા ખાતેના નિવાસસ્થાનેથી નીકળશે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution