ટ્રસ્ટનાં ખાતામાં વ્હાઇટનાં ૪ કરોડ દાન આપી સામે બ્લેકમાં રોકડા ૨ કરોડ લેવાના સોદામાં ફ્રોડ
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
31, મે 2026  |   3762

કડોદરા સ્થિત માઉન્ટ લીટેરા ઝી સ્કુલના ટ્રસ્ટીને ૦૪ કરોડ રૂપિયા દાન આપવાની વાતમાં ફસાવી મુંબઇના ગઠિયાએ આંગડિયા મારફત બે કરોડ રૂપિયા પડાવી ચીટિંગ કર્યું હતું. મળતી માહિતી અનુસાર પલસાણા બલેશ્વર સ્થિત અવધ સાંગ્રીલામાં રહેતાં રાજીવ રાજેન્દ્ર સિંઘ કડોદરા ડાયમંડ સિટી સ્થિત માઉન્ટ લીટેરા ઝી સ્કુલના ટ્રસ્ટી છે. તેઓ સ્કુલમાં પ્રોગામિંગ તથા ટ્રસ્ટનાં એકાઉન્ટ સંભાળે છે. આઠેક મહિના અગાઉ આ સ્કુલમાં વુમન્સ ડેના ફંક્શનમાં સ્પીચ આપવા માટે બારડોલીના દીપિકાબેન આવ્યા હતાં. એ સમયે રાજીવ સિંઘ એ તેણીને ટ્રસ્ટમાં દાન આપે એવી કોઇ વ્યક્તિ હોય તો જણાવજો એમ કહ્યું હતું.

બાદમાં ૧૪ મે, ૨૦૨૬ના રોજ દીપિકાબેને રાજીવને કોલ કરી જણાવ્યું હતું કે, તમારી સ્કુલમાં દાન આપી શકે એવી એક કંપની મારા કોન્ટેક્ટમાં છે. જે તમારી સ્કુલના ટ્રસ્ટના ખાતામાં આરટીજીએસથી ૦૪ કરોડ રૂપિયા દાન આપશે પરંતુ તમારે તેમને રોકડા ૦૨ કરોડ પરત કરવા પડશે. અને આ કામમાં મદદ કરવા વાળાને તમારે કમીશન પણ આપવું પડશે. સ્કુલમાં મદદ થાય એમ હોવાથી રાજીવે હા પાડવા સાથે ચાલીસ લાખ રૂપિયા કમિશનર આપવાની તૈયારી પણ દર્શાવી હતી. તેણે દીપિકાબેનને ટ્રસ્ટના એકાઉન્ટની ડીટેલ્સ આપી હતી.

ત્યારપછી ૨૧ મે, ૨૦૨૬ના રોડ દીપિકાએ કોલ કરી કંપનીના માણસો તમને મળવા માંગે છે એમ કહયું અને તેઓ રાંદેર રોડ ઉપર શેલ્બી હોસ્પિટલ પાસે મળ્યા હતાં. દીપિકાએ પોતાની સાથે આવેલા ચાર વ્યક્તિની ઓળખ વિકાસ વસાવા, અશ્વિનભાઈ, વિનોદભાઈ પટેલ અને કિરીટ આર. આટોદરીયા તરીકે આપી હતી. તેણીએ કહ્યું કે સ્કુલમાં દાનના રૂપિયા આપના૨ કંપની તરફથી અટદોરીયા મળવા આવ્યા છે. વાતચીતમાં વિકાસ વસાવા અને કિરીટ અટોદરીયાએ તેમના મોબાઈલ નંબર રાજીવને આપ્યા હતાં.

બીજા દિવસે ૨૨મી તારીખે બપોરે દીપિકાએ રાજીવ સિંઘને મહિધરપુરા ભવાની મંદિર ચાર રસ્તા પાસે આવેલી આંગડિયા પેઢી પટેલ મુકેશ કુમાર એન્ડ કું ખાતે આવવા જણાવ્યું હતું. રાજીવ ત્યાં પહોંચ્યા ત્યારે કરાવવા કહ્યું છે. વિકાસ વસાવા, અશ્વિનભાઈ, વિનોદભાઈ પટેલ, કિરીટભાઈ તથા દીપિકાબેન હાજર હતાં. દરમિયાન ત્યાં આકાશ ધ્યાનેશ્વર નામનો વ્યક્તિ કિરીટ અટોદરીયાને મળવા આવ્યો હતો. આકાશે જણાવ્યું હતું કે, હું ટેરા આઇટી કંપની તથા બેરા ટીલડા ઇન્સ્ટ્રુમેન્ટ પ્રા.લી. કંપનીના પી.આર.ઓ. છું અને તમે મને આંગડિયા પેઢીથી રોકડા રૂપિયા મોકલાવશો તે પછી હું તમારા ટ્રસ્ટમાં દાનની રકમ ટ્રાન્સફર કરીશ.

તેણે ૨૩ અને ૨૪મી તારીખે કંપની બંધ રહેનાર હોવાથી ૨૫મી તારીખે રોકડ ટ્રાન્સફર કરવા ભેગા થઈશું એવું જણાવ્યું અને બધા છૂટા પડ્યા હતાં.

પછી ૨૫મી તારીખે સવારે રાજીવનાં અમદાવાદ રહેતાં મિત્ર ચિરાગ પટેલે ૦૨ કરોડ રૂપિયા એચ.આર. એન્ટરપ્રાઇઝ નામની આંગડિયા પેઢી થકી મોકલ્યા હતાં. જે લેવા રાજીવ સાથે કિરીટ અટોદરિયા પણ ગયો હતો. રોકડ મેળવ્યા બાદ કિરીટે જણાવ્યું હતું કે, આકાશ ધ્યાનેશ્વરને બે કરોડ રૂપિયા પટેલ મુકેશ કુમાર એન્ડ કું (આંગડીયા પેઢી) મારફતે મુંબઇ મોકલવાના છે. આ આંગડિયાની ઓફિસ નજીકમાં જ હોય તેઓ તુરંત ત્યાં પહોંચ્યા હતાં. રાજીવે પટેલ મુકેશ કુમાર એન્ડ કું આંગડિયા પેઢીમાં બેસેલા કર્મચારીઓને આપ્યા હતાં. કિરીટભાઇએ આ બધા રૂપિયા મુંબઇ ખાતે મોકલી આપવાની વાત કરી હતી. જેથી આંગડિયાના કર્મચારીએ ટોકન પેટે ૧૦ રૂપિયાની નોટ આપી મુંબઈ ખાતેની બ્રાન્ચમાં આ નોટ આપ્યેથી બે કરોડ મળી જશે એવું કહ્યું હતું. ટોકન પેટે અપાયેલી આ નોટનો ફોટો કિરીટે મુંબઇ આકાશને વોટ્સએપ થી મોકલી આપ્યો હતો. એટલામાં દિપાલી, વિકાસ વસાવા, અશ્વિન, વિનોદ પટેલ પણ ત્યાં આવી ગયા હતાં. આ બધા ટ્રસ્ટનાં એકાઉન્ટમાં ૦૪ કરોડ રૂપિયા આવે એની રાહ જોવા માંડ્યા હતાં. લાંબા સમય સુધી રૂપિયા મળવા અંગે કોલ નહીં આવતાં કિરીટે સામેથી આકાશને કોલ કર્યો હતો. જેમાં તે બહાનાબાજી કરવા માંડ્યો હતો. બીજા દિવસે પણ ન તો ટ્રસ્ટના એકાઉન્ટમાં પૈસા આવ્યા કે ન આકાશે સીધો જવાબ આપ્યો, જેથી રાજીવ સિંઘને તેમની સાથે ચીટીંગ કરાયાનો અહેસાસ થયો અને મહિધરપુરા પોલીસનો સંપર્ક કરી ફરિયાદ આપી હતી.

રાજીવ સિંઘે બે કરોડ રૂપિયા જમા કરાવ્યા બાદ તુરંત આંગડિયા પેઢીનું શટર પાડી દેવાયું

મુંબઈમાં પૈસા મળવા અંગે આકાશ ધ્યાનેશ્વરે કન્ફર્મેશન નહીં આપતાં ગભરાયેલા રાજીવ સીંઘે મહિધરપુરા ભવાની મંદિર પાસે આવેલી પટેલ મુકેશ કુમાર એન્ડ કું આંગડીયા પેઢીનો સંપર્ક સાધવા પ્રયાસ કર્યો હતો. જોકે, આ પેઢીનો મોબાઇલ સ્વીચ ઓફ આવતો હતો. તેઓ સાંજે તપાસ કરવા ગયા ત્યારે ઓફિસ તો ખુલ્લી હતી, પરંતુ તેમાં કોઈ મળ્યું ન હતું. ઘણો સમય રાહ જોવા છતાં આંગડિયામાં કોઈ નહીં આવતાં રાજીવ ત્યાં હાજર દીપિકાબેન, વિકાસ વસાવા, અશ્વિન, વિનોદ પટેલ અને કિરીટ અટોદરિયા સાથે કડોદરા સ્થિત ઓફિસે ગયા હતાં. બાદ બીજા દિવસે પણ ટ્રસ્ટનાં એકાઉન્ટમાં રૂપિયા નહીં આવતાં રાજીવ આંગડિયા પેઢીમાં તપાસ કરવા ગયા હતાં. જો કે, ત્યાં તાળુ મારેલું અને મોબાઇલ ફોન બંધ આવતો હતો. રાજીવ બાદ અટોદરીયાએ પણ આકાશને કોલ કર્યા પરંતુ તેણે રૂપિયા અંગે સીધી વાત કરી ન હતી.


© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution