જો તમે સ્વાસ્થ્ય અંગે ચિંતિત છો અને ફિટનેસ માટે ખાણી-પીણીમાં ફેરફાર કરો છો તો તેનાથી ફાયદો નહીં પણ નુકસાન થઇ શકે છે. સ્વાસ્થ્ય સુધરવાના બદલે બગડી શકે છે, ત્યાં સુધી કે આયુષ્ય પણ ઘટી શકે છે. બ્રિટનની શેફિલ્ડ યુનિવર્સિટીના વિજ્ઞાનીઓના તાજેતરના રિસર્ચમાં આ ખુલાસો થયો છે.

રિસર્ચના તારણો મુજબ, જો તમે કોઇ રોક-ટોક વિના દરેક પ્રકારનું ભોજન લેતા હોવ અને સ્વાસ્થ્ય સુધારવાના નામે અચાનક હેલ્ધી ફૂડ અપનાવી લો તો તે નુકસાન કરે છે. સંશોધકોએ તે માટે ફ્રૂટ ફ્લાઇઝ કે ડ્રોસોફિલિયા મેલાનોગાસ્ટર પ્રકારની માખીઓ પર પ્રયોગ કર્યો. આ માખીઓને પહેલા એવું ખાવાનું અપાયું કે જે તેમના રોજના આહારથી અલગ હતું. પછી તેમને ફરી તે જ આહાર પર નિર્ભર કરાઇ. તેનાથી તેમને નુકસાન થવાનું શરૂ થઇ ગયું. રિચ ડાયેટ કે રેગ્યુલર ડાયેટની તુલનાએ આ માખીઓના મોતની શક્યતા વધી ગઇ. ઘણી માખીઓના મોત થયા. માખીઓએ ઇંડાં પણ ઓછા મૂક્યા. માખીઓ રિચ ડાયેટ માટે તૈયાર નહોતી.

રિસર્ચમાં જોડાયેલા વિજ્ઞાની ડૉ. મિરે સિમંત કહે છે, આ આપણી આશા અને વિકાસના પ્રચલિત સિદ્ધાંતથી ઉલટું હતું. વિશેષ કે કુલ પોષક તત્ત્વોના સેવનમાં ઉણપ મનુષ્યો અને પ્રાણીઓમાં જીવિત રહેવાની ક્ષમતાને જન્મ આપે છે. તેમનામાં એ ક્ષમતા છે કે તેઓ ભોજનની ઉણપની સ્થિતિમાં જીવતા રહીને પર્યાપ્ત પૌષ્ટિક આહાર ન મળે ત્યાં સુધી શરીરને ઊર્જાવાન રાખી શકે પણ ખાણી-પીણીમાં સતત ફેરફારની ટેવ આ ક્ષમતા અને આયુષ્ય બંને ઘટાડે છે. સંશોધક એન્ડ્રયૂ મેક્ક્રેકન કહે છે કે સૌથી આશ્ચર્યજનક એ રહ્યું કે પ્રતિબંધિત આહાર કોઇ ખાસ નુકસાનનું મૂળ કારણ પણ હોઇ શકે છે. આનાથી ફાર્મા સેક્ટરમાં રિસર્ચના નવા દરવાજા ખુલી શકે છે.