કમલમ ખાતે હલ્લાબોલ કેસમાં ‘આપ’ના નેતાઓને ગાંધીનગર કોર્ટે જામીન આપ્યા
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
31, ડિસેમ્બર 2021  |   1782

ગાંધીનગર ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવેલી હેડ ક્લાર્કના પેપર લીક મામલે આમ આદમી પાર્ટી (આપ)ના નેતાઓ અને કાર્યકરોએ આજથી દસ દિવસ અગાઉ ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે હોબાળો મચાવ્યો હતો. ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે ‘આપ’ દ્વારા કરાયેલા હોબાળાના કારણે ભાજપના મહિલા નેતા શ્રદ્ધા રાજપૂત દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવાઈ હતી. આ ફરિયાદના આધારે પોલીસે ‘આપ’ના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલીયા, ઈસુદાન ગઢવી, નિખીલ સવાણી, પ્રવીણ રામ સહિત ૫૫ જેટલા નેતાઓને જેલમાં મોકલી દેવાયા હતા. આ મામલે આજે આજે ગાંધીનગર સેશન્સ કોર્ટ દ્વારા ‘આપ’ના ૫૫ નેતાઓ અને કાર્યકરોને શરતી જામીન આપવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, ગત તા. ૨૦ ડિસેમ્બરના રોજ ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે ‘આપ’ અને એની યુથ વિંગના નેતાઓ અને કાર્યકરોએ એકઠા થઈને કાર્યાલયનો ઘેરાવ કરીને હલ્લાબોલ કર્યો હતો. ‘આપ’ના આંદોલનની ગંધ આવી જતાં સરકાર દ્વારા ગાંધીનગરના સચિવાલયના દરવાજા બંધ કરાવી દીધા હતા. જેથી ‘આપ’ના આગેવાનોએ સરકારના આ દાવ ઊંધો પાડ્યો હતો અને સીધા જ ગુજરાત પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતે વિરોધ પ્રદર્શન કરવા માટે પહોંચી ગયા હતા. અને ‘આપ’ના આગેવાનોએ ભાજપના પ્રદેશ કાર્યાલય ખાતે હંગામો મચાવી દેતા ભાજપના નેતાઓના હોશકોશ ઉડી ગયા હતા. જેના કારણે ભાજપના મહિલા નેતા દ્વારા છેડતી કર્યા સહિતના મામલે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જે અંગે પોલીસ દ્વારા ‘આપ’ના નેતાઓની ધરપકડ કરીને જેલ હવાલે કર્યા હતા. આ મામલે ગાંધીનગર સેશન્સ કોર્ટ દ્વારા ‘આપ’ના નેતાઓને આજે જામીન આપવામાં આવ્યા હતા. જેથી કાયદાકિય પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આ તમામ નેતાઓ શુક્રવારે જેલમાંથી બહાર આવી શકશે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution