મહાસચિવ ચંપત રાય, ટ્રસ્ટી ડૉ.મિશ્રા, નિર્માણ પ્રભારી ગોપાલ રાવ સહિત ૧૭ ગુનામાં સામેલ : એસઆઇટી 
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
24, જુન 2026  |   1980

અયોધ્યા રામ મંદિર ચોરી કેસમાં સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ એટલે કે એસઆઇટીએ તપાસ રિપોર્ટમાં મંદિર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય, ટ્રસ્ટી ડો. અનિલ મિશ્રા અને નિર્માણ પ્રભારી ગોપાલ રાવ સહિત ૧૭ લોકોને આરોપી માન્યા છે. તેમની વિરુદ્ધ એફઆઇઆર થવી લગભગ નિશ્ચિત મનાઈ રહી છે. સૂત્રો પાસેથી આ માહિતી મળી છે.

એસઆઇટી વધુ તપાસ માટે અયોધ્યા પહોંચી શકે છે. સૂત્રો અનુસાર, તપાસ દરમિયાન એસઆઇટી ટીમને દાનપેટીઓની ચાવીઓ રામશંકર યાદવ ઉર્ફે ટિન્નુ પાસેથી મળી હતી. એસઆઇટીએ લગભગ ૧૫૦ એવા સેવાભાવીઓ અને કર્મચારીઓને ઓળખ્યા છે, જેમની આર્થિક સ્થિતિમાં ૨૨ જાન્યુઆરી ૨૦૨૪ના રોજ રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા પછી બદલાવ આવ્યો. તેમાં ચંપત રાયના નજીકના મનાતા ફૂલકાંત મિશ્રા પણ સામેલ છે. તેમની પાસે ૩ લક્ઝરી કાર છે, જેમની કુલ કિંમત ૨૫ લાખ રૂપિયા છે. એસઆઇટીએ મંગળવારે પોતાનો તપાસ રિપોર્ટ રાજ્ય સરકારને સુપરત કર્યો હતો. સૂત્રો અનુસાર, તેમાં એફઆઇઆર દાખલ કરવા અને ટ્રસ્ટનું પુનર્ગઠન કરવાની ભલામણ કરવામાં આવી છે. કોઈ વરિષ્ઠ અધિકારીને મંદિરના સીઇઓ તરીકે નિયુક્ત કરવાની પણ ભલામણ છે.

ટીમે જણાવ્યું કે આ ૨૦ પાનાનો પ્રારંભિક રિપોર્ટ છે. તેમાં ૧૫૦ લોકોની પૂછપરછની વિગતો છે. સૂત્રો અનુસાર, એસઆઇટીએ છેલ્લા ૫ વર્ષના ચઢાવાનો ઓડિટ કરાવવાની પણ ભલામણ કરી છે. ચઢાવામાં અનિયમિતતા રોકવા માટે સુઝાવો આપવામાં આવ્યા છે. ટ્રસ્ટના પદાધિકારીઓની ભૂમિકા પર સવાલો ઉઠાવવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, રાજ્ય સરકાર તરફથી રિપોર્ટ વડાપ્રધાન કાર્યાલય (પીએમઓ)ને મળી ગયો છે. પીએમઓ નક્કી કરશે કે ટ્રસ્ટના કયા સભ્યોને રાખવા કે હટાવવા. આ તરફ, મંગળવારે મોડી સાંજે રામ મંદિર પરિસરમાં શેષાવતાર મંદિરના શિખર પર ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. ૧૧ સંતોએ વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે ધ્વજ પૂજન કરાવ્યું. ડૉ. અનિલ મિશ્રા અને નિર્માણ પ્રભારી ગોપાલ રાવે સાધુ-સંતોનું સ્વાગત કર્યું હતું. કાર્યક્રમનું સંચાલન ચંપત રાયે કર્યું હતું. કાર્યક્રમમાં ૪ હજાર લોકો સામેલ થયા હતાં. તેમાં બંને ડેપ્યુટી સીએમ બ્રજેશ પાઠક અને કેશવ મૌર્ય પણ પહોંચવાના હતા, પરંતુ લખનઉ અગ્નિકાંડમાં ૧૫ બાળકોના મોત બાદ બંનેએ પ્રવાસ રદ કર્યો હતો.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution