લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
21, મે 2026 |
2475
દિલ્હી એરપોર્ટ પર ઇબોલા વાયરસને લઈને સ્વાસ્થ્ય સંબંધી એડવાઇઝરી જાહેર કરાઇ છે. ડાયરેક્ટોરેટ જનરલ ઓફ હેલ્થ સર્વિસીસએ આ ખતરનાક વાયરસને લઈને માર્ગદર્શિકા જાહેર કરી છે. સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે એડવાઇઝરીમાં જણાવ્યું છે કે, ઇબોલા વાયરસથી પ્રભાવિત દેશોમાંથી આવતા અથવા ત્યાંથી પસાર થતા મુસાફરોએ ખાસ ધ્યાન આપવાની જરૂર છે. હાઈ-રિસ્ક દેશો ડીઆર કોંગો, યુગાન્ડા અને દક્ષિણ સુદાનની યાત્રા કરનારા મુસાફરોમાં જાે ઇબોલા સંબંધિત કોઈ પણ લક્ષણો દેખાય, તો તેના પર તાત્કાલિક પગલાં લેવામાં આવે. આ દેશોમાંથી દિલ્હી એરપોર્ટ પર આવતા મુસાફરોમાં જાે તાવ, નબળાઈ અથવા થાક, માથાનો દુખાવો, સ્નાયુઓમાં દુખાવો, ઉલ્ટી-ઝાડા, અસ્પષ્ટ રક્તસ્રાવ,, ગળામાં ખરાશ જેવા કોઈ પણ લક્ષણો દેખાય તો તેને અવગણશો નહીં. ઇબોલા રોગના દર્દીઓ અથવા શંકાસ્પદ દર્દીઓના લોહી કે શારીરિક પ્રવાહીના સીધા સંપર્કમાં આવેલા મુસાફરોએ ઇમિગ્રેશન ક્લિયરન્સ પહેલાં એરપોર્ટ પર હેલ્થ ઓફિસર અથવા હેલ્થ ડેસ્કને તરત જ જાણ કરવી જાેઈએ.
દિલ્હીમાં યોજાનારી ઇન્ડિયા-આફ્રિકા સમિટ મોકૂફ
આફ્રિકા ખંડમાં ઝડપથી ફેલાઈ રહેલા ખતરનાક અને જીવલેણ ઇબોલા વાયરસના પ્રકોપને ધ્યાનમાં રાખીને, ભારતમાં યોજાનારી પ્રતિષ્ઠિત ચોથી ‘ઇન્ડિયા-આફ્રિકા ફોરમ સમિટ’ને સત્તાવાર રીતે મોકૂફ રાખવામાં આવી છે. ભારતીય વિદેશ મંત્રાલયે ગુરુવારે આફ્રિકન યુનિયન સાથે સંયુક્ત બેઠક કર્યા બાદ આ મોટો ર્નિણય લીધો છે.આ સમિટ આગામી ૨૮થી ૩૧ મે દરમિયાન નવી દિલ્હીમાં યોજાવાની હતી, જેમાં આફ્રિકાના ૪૦થી વધુ દેશોના રાષ્ટ્રીય નેતાઓ અને હજારો ડેલિગેટ્સ ભાગ લેવાના હતા. પરંતુ ભારતના નાગરિકોની સુરક્ષા અને પબ્લિક હેલ્થને ટોપ પ્રાયોરિટી આપીને આ ર્નિણય લેવાયો છે.