લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
21, મે 2026 |
2178
વન નેશન, વન ઈલેકશન મામલે રચાયેલી જાેઈન્ટ પાર્લામેન્ટરી કમિટીએ અલગ અલગ રાજ્યોમાં જઈ રાજકીય પક્ષો અને અધિકારીઓ સાથે પરામર્શ શરૂ કર્યો છે. જે અંતર્ગત ત્રણ દિવસ જાેઈન્ટ પાર્લિયામેન્ટરી કમિટી (જેપીસી)ના સભ્યો ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. આજે એટલે કે ત્રીજા અને અંતિમ દિવસે અધિકારીઓ, વિવિધ ક્ષેત્રોના પ્રતિનિધિઓ, રાજકીય પક્ષો, મીડિયા અને સંસ્થાઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી. ચર્ચા દરમિયાન કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પોતાના વિરોધના મુદ્દાઓ ઉઠાવ્યા હતા, જ્યારે શિક્ષણ, ઉદ્યોગ અને મીડિયા ક્ષેત્ર સાથે જાેડાયેલા લોકો દ્વારા પણ અલગ-અલગ અભિપ્રાયો રજૂ કરાયા હતા.
આ બેઠક પૂર્ણ થયા બાદ જેપીસી અધ્યક્ષ પી.પી. ચૌધરીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં વર્ષ ૨૦૨૭માં વિધાનસભા ચૂંટણી યોજાશે અને તેની ટર્મ ૨૦૩૨ સુધી રહેશે. જાે ‘એક દેશ-એક ચૂંટણી’ સંબંધિત સુધારો ૨૦૨૯માં અમલમાં આવે તો ગુજરાતમાં આગામી વિધાનસભા ચૂંટણી ૨૦૩૪માં યોજાઈ શકે છે. જેપીસી અધ્યક્ષે આગળ કહ્યું કે, ગુજરાતમાં પહેલીવાર મ્યુનિસિપાલિટી અને પંચાયતોની ચૂંટણી એક સાથે થઈ અને તેનાથી પ્રદેશને ફાયદો પણ થયો છે. ચૂંટણીમાં શિક્ષકોને ટ્રેનિંગ માટે મોકલવામાં આવે છે અને પછી બૂથ પર મોકલવામાં આવે છે. લોકસભા, પંચાયત, વિધાનસભા ચૂંટણીઓમાં અલગ અલગ સમય બગડે છે. સમિતિ ગૃહમંત્રાલય અને ચૂંટણી પંચ સાથે વાત કરશે. દેશમાં કાયદો અને વ્યવસ્થાની સમીક્ષા કરે અને ન્યાયિક ચૂંટણી કરવા માટે આ પ્રક્રિયા ચાલી રહી છે. લોજિસ્ટક્સની જરૂરિયાતને એ બધું ધ્યાનમાં લઈને અમે ભલામણ કરીશું.
તેમણે ઉમેર્યું કે કમિટીમાં વિવિધ રાજકીય પક્ષોના સાંસદો સામેલ છે અને તમામ સભ્યો દેશહિતને પ્રાથમિકતા આપી કામ કરી રહ્યા છે. સાથે જ શિક્ષણ ક્ષેત્રને વારંવારની ચૂંટણીથી સૌથી વધુ અસર થતી હોવાનો દાવો પણ કર્યો હતો.
૨૦૨૯ પહેલાંની તમામ ચૂંટણીની ટર્મ ૫ વર્ષ રહેશે
ચૌધરી આગળ કહે છે કે, જેનું ૧ વર્ષ જ બાકી રહ્યું તે અંગે અલગ અલગ પાર્ટીના મંતવ્યો આવ્યા છે. તેના અંગે સમિતિઓ વિચારી રહી છે અને તેનો રિપોર્ટ આપીશું. પછી સંસદ તેને પાસ કરે છે કે કેમ તે તેના પર છે. ૨૦૨૯ પહેલા જે પણ ચૂંટણીઓ થશે એ ૫ વર્ષ માટે રહેશે. ૨૦૨૯માં લાગુ થશે. જાે ૨૦૨૯માં ૩૦ મેના રોજ લાગુ થઈ ગયો હોય તો ૩૦ મે પછીની તમામ ચૂંટણી પર કાયદો લાગુ થશે.