લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
21, મે 2026 |
2376
પુલવામા હુમલાના માસ્ટરમાઇન્ડ આતંકી અરજમંદ ગુલઝાર ઉર્ફે હમઝા બુરહાનને પાકિસ્તાનમાં અજાણ્યા શખ્સોએ ગોળી મારી છે. સૂત્રોના અનુસાર, આ હુમલામાં આતંકવાદીનું મોત થયું છે. આતંકી હમઝા બુરહાનને પાકિસ્તાનના મુજફ્ફરાબાદમાં ગોળી મારવામાં આવી હતી. મુજફ્ફરાબાદ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આવેલું છે. આતંકી હમઝા બુરહાન ૨૦૧૯માં પુલવામામાં થયેલા આતંકી હુમલાના માસ્ટરમાઇન્ડ્સમાંથી એક હતો. આ આતંકવાદી પાકિસ્તાનમાં પોતાની ઓળખ શિક્ષક તરીકે આપતો હતો.
પુલવામા હુમલો ૧૪ ફેબ્રુઆરી ૨૦૧૯ના રોજ થયો હતો, જ્યારે આતંકીઓએ સેનાના કાફલાને નિશાન બનાવ્યો હતો. આ આતંકી હુમલામાં ૪૦થી વધુ જવાનો શહીદ થયા હતા. મળતી માહિતી અનુસાર, અજાણ્યા શખ્સે મુજફ્ફરાબાદમાં આતંકી હમઝા બુરહાનને ગોળી મારી હતી. આ ઘટના ત્યારે બની જ્યારે આ આતંકી પાક અધિકૃત કાશ્મીરમાં આવેલી પોતાની ઓફિસમાં બેઠો હતો.
અરજમંદ ગુલઝાર મૂળ જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લાના રત્નીપોરા વિસ્તારનો વતની હતો. તે આશરે ૮ વર્ષ પહેલાં પાકિસ્તાન ગયો હતો, જ્યાં તે આતંકવાદી સંગઠન અલ-બદ્રમાં જાેડાઈ ગયો હતો. પછી તે સંગઠનનો ઓપરેશનલ કમાન્ડર બની ગયો હતો અને પાકિસ્તાનમાં બેસીને કાશ્મીરમાં આતંકવાદીઓની ભરતી, ફંડિંગ અને હથિયારોની સપ્લાયનું નેટવર્ક ચલાવવા લાગ્યો હતો. ભારતીય સુરક્ષા એજન્સીઓએ તેને લાંબા સમયથી ‘મોસ્ટ વોન્ટેડ’ની યાદીમાં રાખ્યો હતો. વર્ષ ૨૦૨૨માં ભારત સરકારના ગૃહ મંત્રાલયે તેને સત્તાવાર રીતે આતંકવાદી જાહેર કર્યો હતો. મંત્રાલયના જણાવ્યા મુજબ, તે પુલવામા અને દક્ષિણ કાશ્મીરમાં આતંક ફેલાવવા, યુવાનોની આતંકી સંગઠનોમાં ભરતી કરવા અને આતંકવાદ માટે ફંડ એકત્ર કરવામાં સક્રિય ભૂમિકા ભજવી રહ્યો હતો.
પુલવામા વિસ્તાર લાંબા સમયથી આતંકવાદી પ્રવૃત્તિઓનો સંવેદનશીલ કેન્દ્ર રહ્યો છે. આ જ વિસ્તારમાંથી અનેક મોટા આતંકી ચહેરાઓ સામે આવ્યા છે, જેમાં બુરહાન વાનીનું નામ પણ સામેલ છે, જેણે સોશિયલ મીડિયાના માધ્યમથી યુવાનોને કટ્ટરપંથી તરફ પ્રભાવિત કર્યા હતા. અરજમંદ ગુલઝારને પણ આવા જ ‘ડિજિટલ કટ્ટરપંથ’ મોડલનો ભાગ માનવામાં આવે છે, જેમાં સોશિયલ મીડિયા અને સ્થાનિક નેટવર્કના માધ્યમથી યુવાનોને હથિયાર ઉઠાવવા માટે ઉશ્કેરવામાં આવતા હતા.