લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
13, જુન 2026 |
2277
રાજકોટના પ્રવાસે ગયેલા ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે ખોડલધામ-કાગવડના ચેરમેન નરેશ પટેલના નિવાસસ્થાને જઈને તેમની સાથે બેઠક કરી હતી. રાજકોટમાં ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી અને નરેશ પટેલ વચ્ચે બંધ બારણે થયેલી મુલાકાતથી રાજકીય વર્તુળોમાં ભારે ગરમાવો આવી ગયો છે અને અનેક જાતના તર્ક-વિતર્કો શરૂ થઈ ગયા છે. જાે કે, મુલાકાત બાદ નરેશ પટેલે સ્પષ્ટતા કરી હતી કે, આ માત્ર સામાજિક મુલાકાત હતી. અન્ય કોઈ રાજકીય ચર્ચા થઈ નથી.
ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણી ૨૦૨૭ને આડે હવે દોઢ વર્ષ જેટલો સમય બાકી રહ્યો છે. તેવા સંજાેગોમાં આજે ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી રાજકોટના પ્રવાસે ગયા હતા. રાજકોટના પ્રવાસ દરમિયાન રેલવે ઓવરબ્રિજના લોકાર્પણનો સરકારી કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી પાટીદાર અગ્રણી અને ખોડલધામના ચેરમેન નરેશ પટેલના નિવાસસ્થાને પહોંચ્યા હતા. નરેશ પટેલના નિવાસસ્થાને ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવીની સાથે બંધ બારણે બેઠક યોજાઇ હતી. જેને લઈને ગુજરાતના રાજકીય વર્તુળોમાં નવી અનેક જાતની ચર્ચાઓ અને તર્ક-વિતર્કોને જન્મ આપ્યો છે. વિધાનસભાની ૨૦૨૭ની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે બંને દિગ્ગજાેની મુલાકાતથી રાજ્યમાં રાજકીય ગરમાવો આવી ગયો છે.
આ અંગે પ્રાપ્ત થતી વિગતો અનુસાર, રાજકોટ પ્રવાસ દરમિયાન ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી ખોડલધામના ચેરમેન અને પાટીદાર અગ્રણી નરેશ પટેલના નિવાસસ્થાને પહોંચ્યા હતા. જ્યાં બંને વચ્ચે લગભગ અડધો કલાક જેટલો સમય સુધી બંધ બારણે મુલાકાત યોજાઈ હતી. આ મુલાકાત બાદ રાજકીય વર્તુળોમાં અનેકવિધ ચર્ચાઓ શરૂ થઈ ગઈ હતી. ખાસ કરીને તાજેતરમાં નરેશ પટેલે ખોડલધામની જવાબદારીઓમાંથી સેવામુક્ત થવાની જાહેરાત કરી હોવાને કારણે આ મુલાકાત વધુ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
રાજકોટમાં ઉપમુખ્યમંત્રી અને ખોડલધામના ચેરમેન વચ્ચેની મુલાકાતને લઈને રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે, ૨૦૨૭ની વિધાનસભાની ચૂંટણી અગાઉ રાજ્યમાં નવા રાજકીય સમીકરણોની ધરી રચાઈ શકે છે. આ સંજાેગોમાં હર્ષ સંઘવી અને નરેશ પટેલ વચ્ચેની બંધ બારણે થયેલી મુલાકાતને લઈને અનેક સવાલો ઉભા થયા છે. જાે કે, આ બેઠક પૂર્ણ થયા બાદ ખોડલધામના ચેરમેન નરેશ પટેલે મીડિયા સમક્ષ આવીને આ મુલાકાતને સંપૂર્ણપણે સામાજિક ગણાવી છે.
નરેશ પટેલે મુલાકાત અંગે સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે, ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી મારા ઘરે આવ્યા હતા. આ માત્ર સામાજિક મુલાકાત હતી. અન્ય કોઈ રાજકીય ચર્ચા થઈ નથી. માત્ર સામાજિક મુદ્દાઓ પર જ વાતચીત થઈ હતી. નરેશ પટેલના આ નિવેદન બાદ પણ રાજકીય વર્તુળોમાં અનેકવિધ ચર્ચાઓ તેજ બની છે. કારણ કે ભૂતકાળમાં પણ વિધાનસભાની ચૂંટણી પૂર્વે નરેશ પટેલનું નામ સક્રિય રાજકારણ સાથે અનેક વખત જાેડાતું રહ્યું છે. તેથી બંને વચ્ચેની આ મુલાકાત સામાન્ય હતી કે તેના પાછળ કોઈ રાજકીય સંકેત છુપાયેલો છે, તે તો સમય જ બતાવશે.