યુરોપમાં હીટવેવનો હાહાકાર: ૪૧ ડિગ્રી તાપમાનની આગાહીને પગલે તંત્ર સક્રિય : લોકો ત્રાહિમામ
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
21, જુન 2026  |   2376


યુરોપના અનેક દેશો હાલમાં ભીષણ ગરમી અને હીટવેવની ઝપેટમાં આવી ગયા છે, જેમાં ફ્રાન્સના ૩૫ વિસ્તારોમાં તાપમાન ૪૧ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાની આશંકાએ સરકારે ‘રેડ હીટવેવ એલર્ટ’ જાહેર કર્યું છે. આ ગંભીર પરિસ્થિતિને જાેતા ફ્રાન્સ સરકારે રવિવારે યોજાનારા ‘ફેતે ડે લા મ્યુઝિક ફેસ્ટિવલ’ દરમિયાન જાહેર સ્થળો પર દારૂના સેવન પર કડક પ્રતિબંધ લગાવી દીધો છે, જેથી હીટસ્ટ્રોક જેવી સ્થિતિને ટાળી શકાય. હીટવેવની અસરો માત્ર ફ્રાન્સ પૂરતી સીમિત નથી, પરંતુ સમગ્ર યુરોપને તેની અસર થઈ રહી છે. જર્મનીમાં તાપમાન ૩૮ ડિગ્રીની આસપાસ પહોંચતા હીટ એલર્ટ અપાયું છે, જ્યારે સ્પેનમાં ફેન ઝોન બંધ કરી દેવામાં આવ્યા છે. ઈટાલીના રોમમાં પણ પ્રવાસીઓ માટે સ્થિતિ મુશ્કેલ બની છે, જ્યાં લોકો પ્રાચીન ઈમારતોના ભોંયરામાં આશરો લેવા મજબૂર બન્યા છે. પેરિસમાં પ્રશાસને લોકોને ગરમીથી બચાવવા માટે તમામ જાહેર બગીચાઓ ૨૪ કલાક ખુલ્લા રાખવાનો મહત્વનો ર્નિણય લીધો છે. વડાપ્રધાન સેબાસ્ટિયન લેકોર્નૂએ ઈમરજન્સી બેઠક બોલાવીને પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હવામાં ભેજનું પ્રમાણ અને અસહ્ય ગરમીને લીધે આગામી સમયમાં કેટલાક ભાગોમાં ભારે તોફાન આવવાની શક્યતા પણ છે. સરકારી તંત્ર દ્વારા વૃદ્ધો અને બીમાર લોકોને વિશેષ કાળજી રાખવા અને બપોરના સમયે ઘરની બહાર ન નીકળવા વારંવાર અપીલ કરવામાં આવી રહી છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution