લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
18, જુન 2026 |
2574
ગુજરાતથી ચોમાસું તો હજી દૂર છે. ત્યારે પ્રિ મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે. છેલ્લા ૨૪ કલાકમાં ઉત્તર અને મધ્ય ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ભારેથી મધ્યમ વરસાદ નોંધાયો છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના આંકડા મુજબ, મહીસાગર જિલ્લાના બાલાસિનોરમાં સૌથી વધુ ૧૪૭ મિલીમીટર (૫.૭૯ ઈંચ) વરસાદ ખાબકતાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી થઈ ગયું હતું. નોંધનીય છે કે, ગુજરાતમાં ૨૪ કલાકમાં ૬૩ તાલુકામાં વરસાદ નોંધાયો છે. આ સાથે આજે પણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી આપવામાં આવી છે. રાજ્યમાં આ વરસાદના પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ છે અને ગરમીથી મોટી રાહત મળી છે. મળતા આંકડા પ્રમાણે, છેલ્લા ૨૪ કલાકમાં સૌથી વધુ મહીસાગરના બાલાસિનોરમાં સૌથી વધુ ૫.૭૯ ઇંચ વરસાદ નોંધાયો હતો. બાલાસિનોર બાદ અરવલ્લી અને મહેસાણા જિલ્લામાં પણ મેઘરાજાએ તોફાની બેટિંગ કરી હતી. અરવલ્લીના ભિલોડામાં ૭૫ મીમી (૨.૯૫ ઈંચ) અને ધનસુરામાં ૬૬ મીમી (૨.૬૦ ઈંચ) વરસાદ નોંધાયો છે. સાથંબા અને બાયડમાં પણ ૧ ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. મહેસાણાના સતલાસણા તાલુકામાં ૭૩ મીમી (૨.૮૭ ઈંચ) અને ખેરાલુમાં ૨૦ મીમી વરસાદ પડ્યો છે.મધ્ય ગુજરાતના ખેડા અને પંચમહાલ જિલ્લાના અનેક તાલુકાઓમાં ૨ ઈંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. ખેડાના ગળતેશ્વરમાં ૫૭ મીમી (૨.૨૪ ઈંચ) અને કપડવંજમાં ૫૫ મીમી (૨.૧૭ ઈંચ) વરસાદ વરસ્યો છે. કઠલાલ, નડિયાદ અને મહુધામાં પણ અડધાથી ૧ ઈંચ વરસાદ રહ્યો છે. દેસર તાલુકામાં ૫૩ મીમી (૨.૦૯ ઈંચ) વરસાદ નોંધાયો છે.પંચમહાલના ઘોઘંબામાં ૫૨ મીમી (૨.૦૫ ઈંચ) અને જાંબુઘોડામાં ૫૧ મીમી (૨.૦૧ ઈંચ) વરસાદ પડ્યો છે. જ્યારે ગોધરામાં ૨૮ મીમી વરસાદ નોંધાયો છે. આ સાથે છોટાઉદેપુરના કદવાલમાં ૪૯ મીમી (૧.૯૩ ઈંચ) વરસાદ સાથે નોંધપાત્ર ભીનાશ જાેવા મળી છે. બનાસકાંઠાના પાલનપુરમાં ૨૩ મીમી (૦.૯૧ ઈંચ), દાંતામાં ૮ મીમી અને અમીરગઢમાં ૭ મીમી વરસાદ થયો છે. આણંદ અને દાહોદના ઉમરેઠમાં ૧૯ મીમી અને દેવગઢબારિયામાં ૧૧ મીમી વરસાદ નોંધાયો છે.
અમદાવાદ સહિત મોટાભાગના વિસ્તારોમાં આગાહી
ગુજરાતમાં ચોમાસું આવે તે પહેલા જ બુધવાર રાતથી જ વરસાદનું જાેરદાર આગમન થયું છે. આ સાથે જ ગુજરાતના હવામાન વિભાગે રાજ્યમાં હજી બે દિવસ વરસાદી માહોલ છવાશે તેમ જણાવ્યું છે. રાજ્યમાં ચોમાસું તો હજી દૂર છે પરંતુ તે પહેલાના પ્રિમોન્સૂન વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. તો ગુજરાતમાં ૧૮મી જૂન અને ૧૯મી જૂને ક્યાં ક્યાં વરસાદ પડશે તે અંગેની હવામાન વિભાગની આજની આગાહી જાેઈએ.
હવામાન વિભાગે આપેલા વેધર મેપ પ્રમાણે, ૧૯મી જૂનના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દાદરા નગર હવેલી, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, બોટાદ, ગીર સોમનાથમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે વરસાદની આગાહી આપવામાં આવી છે. એટલે કે, કચ્છ, પાટણ, દ્વારકા, પોરબંદરમાં જ હવામાન શુષ્ક રહેવાનું અનુમાન છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે, ૧૯મી જૂનના રોજ એટલે કે શુક્રવારે બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દાદરા નગર હવેલી, જુનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે વરસાદની આગાહી આપવામાં આવી છે.