દરિયાપુરમાં બહેનના પ્રેમસંબંધની ના પાડવા ગયેલા ભાઈ પર હિચકારો હુમલો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
16, જુલાઈ 2026  |   2475

શહેરના દરીયાપુર વિસ્તારમાં બહેન સાથે પ્રેમસંબંધ ન રાખવા માટે સમજાવવા ગયેલા એક યુવક પર પરિણીત પ્રેમીએ ઉશ્કેરાઈ જઈને જીવલેણ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. ચાની કીટલી પર જાહેરમાં થયેલા આ ઝઘડામાં ઉશ્કેરાયેલા શખ્સે ચા બનાવવાનું હાથાવાળું લોખંડનું ટમરેલ (તપેલી) યુવકના માથામાં બંને બાજુ ફટકારી દેતાં યુવક લોહીલુહાણ થઈ ગયો હતો. આ અંગે દરીયાપુર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. દરીયાપુર પ્રેમ દરવાજા પાસે રહેતા ૩૫ વર્ષીય રમેશભાઈ (ઓળખ છુપાવા નામ બદલ્યું છે) છૂટક મજૂરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમની ૨૬ વર્ષીય છૂટાછેડા લીધેલી બહેન ચાંદની હાલ પરિવાર સાથે જ રહે છે. દરમિયાન, તેમના જ વિસ્તારમાં રહેતા પરિણીત ગૌરાંગ જાેષી નામના શખ્સને ચાંદની સાથે પ્રેમસંબંધ હતો. ગૌરાંગ પરિણીત હોવા છતાં સંબંધ રાખતો હોવાથી રમેશભાઈ તેને વારંવાર સમજાવતા હતા.

બુધવારે સવારે ૧૧ વાગ્યાની આસપાસ રમેશભાઈ ભંડેરી પોળના નાકે આવેલી ‘કિષ્ના ટી સ્ટોલ’ નામની ચાની કીટલી પર ગયા હતા. ત્યાં ગૌરાંગ હાજર હોવાથી રમેશભાઈએ તેને ફરીથી ટોક્યો હતો અને જણાવ્યું હતું કે, “તારા લગ્ન થઈ ગયા છે, છતાં તું કેમ માનતો નથી? જાે હવે તું મારી બહેનથી દૂર નહીં રહે તો હું તારા ઘરે જઈને તારા માતા-પિતાને બધી વાત કહી દઈશ.” આ સાંભળતા જ ગૌરાંગ એકદમ ઉશ્કેરાઈ ગયો હતો અને ગાળો ભાંડી ઝઘડો કરવા લાગ્યો હતો. ઝઘડો ઉગ્ર બનતા ગૌરાંગે રમેશભાઈને ગડદાપાટુનો માર માર્યો હતો અને ત્યારબાદ કીટલી પર પડેલું ચા બનાવવાનું હાથાવાળું ભારે ટમરેલ ઉપાડી રમેશભાઈના માથામાં જમણી અને ડાબી બાજુ એમ બે ઘા ઝીંકી દીધા હતા. માથામાંથી લોહીની ધારાઓ વહેવા લાગતા રમેશભાઈએ બૂમાબૂમ કરી મૂકી હતી. બૂમરાણ સાંભળીને તેમનો નાનો ભાઈ કૌશિક દોડી આવ્યો હતો અને ગૌરાંગના ચુંગાલમાંથી ભાઈને છોડાવ્યો હતો, ત્યારબાદ આરોપી ત્યાંથી નાસી છૂટ્યો હતો.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution