૧૫ જૂન પછી સુરતની ટેક્સ્ટાઈલ માર્કેટોમાં શ્રાવણથી દિવાળી સુધીનાં તહેવારો માટે ખરીદીની આશા
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
13, જુન 2026  |   2376

છેલ્લા દોઢેક વર્ષથી મંદીનાં માહોલમાંથી પસાર થઈ રહેલા સુરતનાં ટેક્સ્ટાઈલ ઉદ્યોગ માટે હવે રાહતનાં સંકેતો દેખાવા લાગ્યા છે. ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓ અને ઉત્પાદકોમાં એવી આશા વ્યક્ત થઈ રહી છે કે આગામી ૧૫ જૂન બાદ દેશભરની કપડામંડીઓમાંથી નવી ખરીદી શરૂ થશે અને શ્રાવણ મહિનાથી લઈને દિવાળી સુધીનાં તહેવારોને ધ્યાનમાં રાખીને મોટા પ્રમાણમાં ઓર્ડરો સુરત તરફ આવશે. હાલમાં સેમ્પલિંગની પ્રક્રિયા ચાલી રહી છે અને આગામી સપ્તાહથી તહેવારોની ખરીદી માટે રીટેઇલ વેપારીઓનું સુરતમાં આગમન શરૂ થાય તેવા વર્તારા છે.

ટેક્સ્ટાઈલ ઉદ્યોગ સાથે સંકળાયેલા એજન્ટ મનોહરલાલ શર્મા કહે છે કે છેલ્લા કેટલાક મહિનાઓ દરમિયાન દેશના વિવિધ રાજ્યોમાં આવેલી કપડામંડીઓમાં રહેલો વધારાનો સ્ટોક ધીમે ધીમે વેચાઈ ગયો છે. પરિણામે હવે રિટેલ વેપારીઓ અને હોલસેલ ડીલરો પાસે નવા સીઝન માટે પૂરતો સ્ટોક ઉપલબ્ધ નથી. આવી સ્થિતિમાં તેઓ ફરીથી સુરતના બજારમાંથી ખરીદી શરૂ કરે તેવી શક્યતા વધી રહી છે.

પાંડેસરામાં પ્રોસેસિંગ હાઉસ ચલાવતા મિતુલ મહેતાએ જણાવ્યું હતું કે, સામાન્ય રીતે શ્રાવણ મહિનો શરૂ થતાં જ ધાર્મિક પ્રસંગો, લગ્નસરા અને તહેવારોની સીઝનને ધ્યાનમાં રાખીને સાડી, ડ્રેસ મટીરિયલ્સ, સુટિંગ-શર્ટિંગ ફેબ્રિક, લેડીઝ વેર, કિડ્સ વેર અને ધોતી સહિતના ઉત્પાદનોની માંગમાં વધારો જાેવા મળે છે. આ વર્ષે પણ સમાન પરિસ્થિતિ સર્જાવાની સંભાવના છે. હાલમાં સુરતની વિવિધ ટેક્સ્ટાઈલ માર્કેટોમાં દેશભરના વેપારીઓ દ્વારા સેમ્પલિંગની પ્રક્રિયા ચાલી રહી છે. વેપારીઓ નવી ડિઝાઇનો, કલર કોમ્બિનેશન અને તહેવારોને અનુરૂપ કલેક્શનની પસંદગી કરી રહ્યા છે. આ સેમ્પલિંગ આગામી દિવસોમાં વાસ્તવિક ઓર્ડરોમાં પરિવર્તિત થશે તેવી આશા વ્યક્ત થઈ રહી છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution