પથ્થરકુવા જ્યોતિસંઘ સંસ્થામાં જ પતિએ પત્નીને કુહાડી ઝીંકી દીધી
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
19, જુન 2026  |   2475

અમદાવાદના પથ્થરકુવા સ્થિત જ્યોતિસંઘમાં બાળકોની કસ્ટડીના વિવાદમાં એક પતિએ પોતાની પત્ની પર કુહાડીથી હુમલો કર્યો છે. કાઉન્સેલિંગ સત્ર દરમિયાન ઉશ્કેરાયેલા પતિએ પત્નીના પગમાં ઘા ઝીંકી દીધા હતા અને ત્યાંથી નાસી છૂટ્યો હતો. ઇજાગ્રસ્ત મહિલાને તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ ખસેડવામાં આવી છે. આ ગંભીર ઘટના અંગે કારંજ પોલીસે ગુનો નોંધી આરોપી પતિની શોધખોળ શરૂ કરી છે. અસારવા ખાતે રહેતા ૩૨ વર્ષીય પત્ની રાવળે તેના પતિ વિજય રાવળ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, ‘બાળકોની કસ્ટડી મેળવવાની બાબતે ઉશ્કેરાયેલા મારા પતિએ સંસ્થાની ઓફિસમાં જ મારા પર કુહાડી વડે હુમલો કર્યો હતો.’ ૧૮મી જૂનના રોજ સંસ્થામાં બંને વચ્ચે બાળકોની કસ્ટડી અંગે ચર્ચા ચાલી રહી હતી, ત્યારે પત્નીએ માતા તરીકે બાળકો પર પોતાનો હક હોવાનો દાવો કર્યો હતો. આ સાંભળીને વિજય રોષે ભરાઈ ગયા હતા અને બહારથી એક કુહાડી લાવીને પત્નીના જમણા પગના ભાગે ઝીંકી દીધી હતી. ઘટનાના પગલે બુમાબુમ થતાં સંસ્થાના કર્મચારીઓ અને આસપાસના લોકો દોડી આવ્યા હતા, જેથી હુમલાખોર પતિ ત્યાંથી ફરાર થઈ ગયો હતો.આ ઘટના પાછળનું મુખ્ય કારણ પારિવારિક વિખવાદ હોવાનું જાણવા મળ્યું છે. પતિની સતત હેરાનગતિ અને શક-વહેમના સ્વભાવથી કંટાળીને પત્ની છેલ્લા ત્રણ મહિનાથી ઘર છોડીને પોતાના મિત્ર અજય સાથે અસારવા ખાતે રહે છે. તેના ૧૪ વર્ષના પુત્ર અને ૧૨ વર્ષની પુત્રી પિતા પાસે હતા, જેનો કબજાે મેળવવા માટે તેમણે ગત પાંચમી મેના રોજ જ્યોતિસંઘમાં અરજી કરી હતી. આ અરજીની સુનાવણીની મુદત દરમિયાન જ પતિએ ઉશ્કેરાઈને આ પગલું ભર્યું હતું. હાલમાં ઈજાગ્રસ્ત દક્ષાબેનને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે અસારવા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. ભોગ બનનાર પત્નીની ફરિયાદના આધારે પોલીસે ફરાર પતિ સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution