અમદાવાદ-

ગુજરાત સરકાર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ટેકાના ભાવે મગફળસ ખરીદવાની જાહેરાત કરવામાં આવી છે. રાજય સરકાર વર્ષ ૨૦૨૦ ખરીફ સીઝન માટે રૂ.૫૨૭૫ પ્રતિ કિવન્ટલ રૂ.૧૦૫૫ પ્રતિમાણ ટેકાનો ભાવે મગફળી ખરીદી કરવાની જાહેરાત કરી છે. જેની નોંધણી પ્રક્રિયા આવતીકાલ તા.૧ ઓકટોબરથી શરૂ થશે.

ગુજરાત સરકારના અન્ન પુરવઠા નિગમ વિભાગ દ્વારા દર વર્ષે રાજયભરમાં મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે છે ત્યારે ચાલુ વર્ષે ટેકાના ભાવે મગફળી ખરીદીનુ રજીસ્ટ્રેશન આવતીકાલથી ઓનલાઇન શરૂ થશે. આ માટેનુ રજીસ્ટ્રેશન ૨૦ દિવસ એટલે કે તા.૨૦ ઓકટોબર સુધી કરી શકાશે. 

રાજયભરમાં તાલુકા જિલ્લા લેવલે આ માટેના કેન્દ્રો નકકી કરાયા બાદ ત્યાંથી મગફળી ખરીદવાની પ્રક્રિયા હાથ ધરાશે. રાજયભરમાં ઓનલાઇન રજીસ્ટ્રેશન ઉપરાંત જિલ્લા કક્ષાએ કાર્યરત કંટ્રોલ રૂમ નંબર પરનો સંપર્ક કરી ખેડૂતો પોતાની મગફળી માટેની નોંધણી કરાવી શકશે.

ગીર સોમના જિલ્લામાં ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવા માટે દરેક ગામમાં ઈ-ગ્રામ કેન્દ્ર ઉપરથી વી.સી.ઈ. મારફત તથા જિલ્લાના વેરાવળ, તાલાળા, સુત્રાપાડા, કોડીનાર તથા ઉના એ.પી.એમ.સી.સેન્ટર ખાતેથી તા.૦૧-૧૦-૨૦૨૦ થી તા.૨૦-૧૦-૨૦૨૦ સુધી નોંધણી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. 

નોંધણી સમયે આધારકાર્ડની નકલ, બેન્ક પાસબુકની નકલ, બેન્કનો કેન્સલ ચેક, ગામ નમુના નં.૭, ૧૨ તા ૮-અનો ઉતારો તથા તલાટી પાસેથી મગફળીના વાવેતરનો દાખલો સહિતના પુરાવાઓ સો લાવવાના રહેશે અને નોંધણી માટે કોઈપણ ચુકવણી કરવાની નથી. તા.૨૧-૧૦-૨૦૨૦ થી ૯૦ દિવસ સુધી એ.પી.એમ.સેન્ટર ઉપરી મગફળીની ખરીદી થવાની છે. રજીસ્ટેશન થયેલ ખેડૂતોને એસ.એમ.એસ.દ્રારા તારીખ અને સમયની જાણ કરાશે. ત્યારબાદ તેઓએ તેમની મગફળી લઈ આવવાની રહેશે ત્યારે નોંધણીની સ્લીપ ફરજીયાત લાવવાની રહેશે. આ અંગે કોઈ પ્રશ્ન હોય તો જિલ્લાકક્ષાએ કાર્યરત કંટ્રોલરૂમ નં.૦૨૮૭૬-૨૮૫૦૬૩ ઉપર સંપર્ક કરવો.