/
IND VS AUS : 4 વર્ષ અને 51 ઈનિંગમાં પહેલી વખત આ ભારતીય બોલરના હાથે '0' પર આઉટ થયો સ્મિથ

 મેલબર્ન

ઓસ્ટ્રેલિયન બેટસમેન સ્ટિવ સ્મિથની દુનિયાના ટોચના બેટસમેનોમાં ગણતરી થાય છે. તેનો રેકોર્ડ હંમેશા શાનદાર રહ્યો છે અને તેની બેટિંગમાં એટલી ખાસિયત છે કે વિપક્ષી ટીમે તેના માટે દરેક મેચમાં ખાસ રણનીતિ બનાવવી જ પડે છે. જો કે તાજેતરના થોડા સમયથી તેનું બેટ એકદમ શાંત થઈ ગયું છે. દરમિયાન આજથી શરૂ થયેલા ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેના મેલબર્ન (બોક્સિગં-ડે) ટેસ્ટમાં પણ આવું જ કંઈક જોવા મળ્યું છે. રવિચંદ્રન અશ્વિનના બોલને ફ્લિક કરવાના ચક્કરમાં તે લેગ સ્લિપ ઉપર ચેતેશ્વર પુજારાને કેચ આપી બેઠો હતો અને ખાતું ખોલાવ્યા વગર જ તેણે પેવેલિયન પરત ફરવું પડ્યું હતું. આમ 4 વર્ષ અને 51 ઈનિંગ બાદ એવું બન્યું છે જ્યારે સ્મિથે 0 રને પરત ફરવું પડ્યું હોય. શ્રેણીમાં તે બીજી વખત સ્મિથને પોતાનો શિકાર બનાવ્યો છે.

સ્મિથે છેલ્લે ઈંગ્લેન્ડ વિરુદ્ધ મેન્ચેસ્ટર ટેસ્ટમાં 211 અને 83 રનની ઈનિંગ રમી હતી પરંતુ અત્યારે તે ખરાબ ફોર્મમાંથી પસાર થઈ રહ્યો છે. 4 સપ્ટેમ્બર 2019માં રમાયેલા એ મેચ બાદ સ્મિથ એક પણ સદી લગાવી શક્યો નથી. સ્મિથના કરિયર રેકોર્ડની વાત કરીએ તો પોતાનો 75મો ટેસ્ટ રમી રહેલા આ બેટસમેને 134 ઈનિંગમાં 7229 રન બનાવ્યા છે. તેની બેટિંગ સરેરાશ 61.78 રનની છે. તેણે 26 સદી અને 29 અર્ધસદી બનાવી છે.ગત વર્ષે એશેઝ દરમિયાન તે શાનદાર ફોર્મમાં હતો. એ શ્રેણીમાં તેણે 774 રન બનાવ્યા હતા. 

જો કે ત્યારબાદથી તે પોતાની જૂની શૈલીમાં પરત ફરી શક્યો નથી. એશેઝ બાદ રમાયેલા સાત મેચમાં સ્મિથ 10 ઈનિંગમાં માત્ર બે વખત 50 રનને પાર થઈ શક્યો છે. આ સાતેય મેચમાં તેની સરેરાશ 28.44 રનની થઈ જાય છે. આ ઈનિંગોમાં તેણે 256 રન બનાવ્યા છે જેમાં તેનો સર્વોચ્ચ સ્કોર 85 રનનો છે. સાત વર્ષમાં પહેલી વખત સ્મિથ મેલબર્ન ગ્રાઉન્ડ પર બોક્સિગં ડે ટેસ્ટ મેચમાં ખાતું ખોલાવ્યા વગર આઉટ થઈ ગયો છે. આ પહેલાં અહીં રમાયેલા છ મેચમાં તેણે ચાર સદી લગાવી છે. 2016માં પર્થમાં સાઉથ આફ્રિકા વિરુદ્ધ મેચ બાદ પહેલી વખત એવું બન્યું છે કે સ્મિથ ઓસ્ટ્રેલિયામાં ખાતું પણ ખોલાવી શક્યો નથી. આ દરમિયાન તેણે 51 ઈનિંગ રમી હતી.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution