શારજાહઃ  

મનદીપ સિંહ (66*) અને ક્રિસ ગેલ (51)ની અણનમ અડધી સદીની મદદથી કિંગ્સ ઇલેવન પંજાબે અહીં રમાયેલી આઈપીએલની 46મી મેચમાં કોલકત્તા નાઇટ રાઇડર્સ (KKR)ને 8 વિકેટે પરાજય આપીને સળંગ પાંચમો વિજય મેળવ્યો છે. આ જીત સાથે પંજાબની પ્લેઓફની રેસ પણ વધુ મજબૂત બની છે. કોલકત્તાને હરાવ્યા બાદ પંજાબની ટીમ 12 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાને પહોંચી ગઈ છે. 12 મેચમાં પંજાબને છ જીત મળી છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 5 વિકેટે 149 રન બનાવ્યા હતા. જેના જવાબમાં પંજાબે 18.5 ઓવરમાં 2 વિકેટે 150 રન બનાવી મેચ પોતાના નામે કરી લીધી હતી.

કોલકત્તાએ આપેલા 150 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી પંજાબ માટે કેએલ રાહુલ અને મનદીપ સિંહે ઈનિંગની શરૂઆત કરી હતી. બંન્નેએ પ્રથમ છ ઓવરમાં 36 રન જોડ્યા હતા. ટીમનો સ્કોર 47 રન હતો ત્યારે કેએલ રાહુલ (28)ને વરૂણ ચક્રવર્તીએ એલબીડબ્લ્યૂ આઉટ કર્યો હતો. રાહુલે 25 બોલમાં ચાર ચોગ્ગા ફટકાર્યા હતા.

રાહુલ આઉટ થયા બાદ ક્રિસ ગેલ અને મનદીપે ટીમની ઈનિંગને આગળ વધારી હતી. મનદીપ સિંહે 50 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. આ સીઝનમાં મનદીપની પ્રથમ અને આઈપીએલ કરિયરની છઠ્ઠી અડધી સદી છે. તો યુનિવર્સ બોસ ક્રિસ ગેલે માત્ર 25 બોલમાં પાંચ છગ્ગા સાથે આ સીઝનની બીજી અડધી સદી ફટકારી હતી. ક્રિસ ગેલ 29 બોલમાં 2 ચોગ્ગા અને 5 છગ્ગા સાથે 51 રન બનાવી આઉટ થયો હતો. મનદીપ સિંહ અને ગેલે ત્રીજી વિકેટ માટે 100 રનની ભાગીદારી કરી હતી. મનદીપ સિંહ 56 બોલમાં 8 ચોગ્ગા અને બે છગ્ગા સાથે 66 રન બનાવી અણનમ રહ્યો હતો.

ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી કોલકત્તાની શરૂઆત ખુબ ખરાબ રહી હતી. ટીમને ઈનિંગના બીજા બોલ પર પ્રથમ ઝટકો લાગ્યો હતો. નીતીશ રાણા ખાતુ ખોલાવ્યા વિના ગ્લેન મેક્સવેલનો શિકાર બન્યો હતો. કોલકત્તા આ ઝટકામાંથી બહાર આવે તે પહેલા ઈનિંગની બીજી ઓવરમાં શમીએ બે ઝટકો આપ્યા હતા. રાહુલ ત્રિપાઠી (7) અને દિનેશ કાર્તિક (0) રન પર આઉટ થયા હતા. આમ કોલકત્તાએ 10 રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. પાવરપ્લે બાદ કોલકત્તાનો સ્કોર 3 વિકેટે 54 રન હતો.

10 રન પર ત્રણ વિકેટ ગુમાવ્યા બાદ શુભમન ગિલ અને કેપ્ટન ઇયોન મોર્ગને ટીમને સંભાળી હતી. બંન્નેએ ચોથી વિકેટ માટે 81 રનની ભાગીદારી કરી હતી. ટીમનો સ્કોર 91 રન હતો ત્યારે ઇયોન મોર્ગન (40)ને રવિ બિશ્નોઈએ આઉટ કરીને પંજાબને ચોથી સફળતા અપાવી હતી. મોર્ગને 25 બોલમાં પાંચ ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા. સુનીલ નરેન (6)ને ક્રિસ જોર્ડને બોલ્ડ કર્યો હતો.

કોલકત્તાની ટીમ એક બાદ એક વિકેટ ગુમાવી રહી હતી. ત્યારે બીજા છેડે ઉભેલા શુભમન ગિલે ટીમનો સ્કોર 140ને પાર પહોંચાડ્યો હતો. ગિલે 45 બોલમાં 3 ચોગ્ગા અને 4 છગ્ગા સાથે 57 રન બનાવ્યા હતા. તે મોહમ્મદ શમીનો શિકાર બન્યો હતો. પેટ કમિન્સ 1 રન બનાવી બિશ્નોઈનો અને ચક્રવર્તી 2 રન બનાવી જોર્ડનનો શિકાર બન્યો હતો. લોકી ફર્ગ્યુસને 13 બોલમાં 3 ચોગ્ગા અને એક છગ્ગા સાથે અણનમ 24 રન બનાવ્યા હતા.

પંજાબ તરફથી મોહમ્મદ શમીએ 35 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. આ સિવાય ક્રિસ જોર્ડન અને રવિ બિશ્નોઈને બે-બે તથા મેક્સવેલ અને મુરૂગન અશ્વિનને એક-એક સફળતા મળી હતી.