લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
14, જુલાઈ 2026 |
1881
સંયુક્ત આરબ અમીરાત ના સંરક્ષણ મંત્રાલયે મંગળવારે જણાવ્યું કે હોર્મુઝમાં યુએઈનો ધ્વજ ધરાવતા બે ટેન્કરો પર ઈરાની ક્રૂઝ મિસાઈલો દ્વારા કરવામાં આવેલા હુમલામાં ક્રૂના એક ભારતીય સભ્યનું મોત નીપજ્યું છે. આ હુમલામાં અન્ય આઠ સભ્યો ઘાયલ પણ થયા છે, જેમાંથી ચારની હાલત ગંભીર છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જાહેર કરાયેલા એક સત્તાવાર નિવેદનમાં મંત્રાલયે જણાવ્યું કે ઓમાનના જળક્ષેત્રમાં હોર્મુઝની સામુદ્રધુની ના દક્ષિણી લેનમાં ‘મોમ્બાસા’ અને ‘બાહિયા’ નામના ટેન્કરોને નિશાન બનાવવામાં આવ્યા હતા. સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, ઘાયલોમાં છ ભારતીય નાગરિકો અને બે યુક્રેનિયન નાગરિકો સામેલ છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ હુમલાના પરિણામે ટેન્કર ‘મોમ્બાસા’ના ક્રૂના એક ભારતીય સભ્યએ જીવ ગુમાવ્યો છે અને અન્ય ૮ લોકો ઘાયલ થયા છે. તેમાંથી ૪ લોકોને ગંભીર ઇજાઓ થઇ છે, જેમાં ઘાયલોમાં ૬ ભારતીય નાગરિકો અને ૨ યુક્રેનિયન નાગરિકો છે. સંરક્ષણ મંત્રાલયે એ પણ માહિતી આપી હતી કે મિસાઇલ હુમલાના કારણે બંને જહાજાેમાં આગ લાગી ગઈ હતી, પરંતુ બાદમાં તેના પર સંપૂર્ણ રીતે કાબૂ મેળવી લેવાયો હતો. યુએઈએ આ હુમલાની કડક શબ્દોમાં નિંદા કરી છે. આને ગંભીર ઉલ્લંઘન અને આંતરરાષ્ટ્રીય કાયદાનું સ્પષ્ટ ઉલ્લંઘન ગણાવીને ક્ષેત્રની સુરક્ષા અને સ્થિરતા માટે ખતરો ગણાવ્યો છે. દરમિયાન મિડલ ઈસ્ટમાં ફરી એકવાર યુદ્ધ ફાટી નીકળ્યું છે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં જહાજાે પર થઈ રહેલા હુમલા વચ્ચે ઈરાનના બુશેહર અને બંદર અબ્બાસ શહેર નજીક જાેરદાર વિસ્ફોટ થયા છે. ઈરાની ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર, દક્ષિણ-પશ્ચિમ ઈરાનમાં આવેલા બુશેહરમાં (જ્યાં પરમાણુ મથકો આવેલા છે) ૪ સ્થળો પર અમેરિકી મિસાઈલો દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. આ પહેલા ઈરાનના સરકારી ટેલિવિઝને અહેવાલ આપ્યો હતો કે, દક્ષિણના શહેર બંદર અબ્બાસ નજીક ઓછામાં ઓછા ૫ વિસ્ફોટના અવાજ સંભળાયા હતા.
ઈરાની રાજદ્વારીઓને સમન્સ મોકલ્યાં
ઓમાનના દરિયાકાંઠે વેપારી જહાજાે પર થયેલા તાજેતરના હુમલાઓ, જેના પરિણામે એક ભારતીય નાવિકનું મૃત્યુ થયું હતું, તે સંદર્ભે વિદેશ મંત્રાલયે ઈરાની રાજદ્વારીઓ (ડેપ્યુટી ચીફ ઓફ મિશન મોહમ્મદ જાવદ હોસેની)ને સમન્સ મોકલ્યા છે. ઓમાનના પાણીમાં હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થઈ રહેલા બે યુએઈ-ધ્વજવાળા ટેન્કરો પર થયેલા હુમલા બાદ આ રાજદ્વારી પગલું લેવામાં આવ્યું છે. આ હુમલામાં એક ભારતીય ક્રૂ મેમ્બરનું મોત થયું હતું અને ભારતીય નાગરિકો સહિત અનેક લોકો ઘાયલ થયા હતા. ભારતે ઈરાની દૂતાવાસ પાસેથી સમજૂતી માગી હતી અને હુમલા અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી.
ક્રૂડના ભાવમાં ભારે ઉછાળો : ભારત સહિત વિશ્વની અર્થવ્યવસ્થા પર ખતરો
અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા સૈન્ય સંઘર્ષની અસર હવે વૈશ્વિક અર્થવ્યવસ્થા પર સ્પષ્ટ રીતે જાેવા મળી રહી છે. હોર્મુઝ સ્ટ્રેટમાં વધતા તણાવ અને વેપારી જહાજાેની સુરક્ષા અંગે ઉભી થયેલી ચિંતાઓના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં નોંધપાત્ર તેજી જાેવા મળી છે. મંગળવારે બ્રેન્ટ ક્રૂડનો ભાવ પ્રતિ બેરલ ૮૪ ડોલરથી ઉપર પહોંચી ગયો હતો, જ્યારે અમેરિકન ડબ્લ્યુટીઆઈ ક્રૂડ પણ ૮૦ ડોલરની આસપાસ ટ્રેડ થઈ રહ્યો હતો. ઊર્જા બજારના નિષ્ણાતોનું માનવું છે કે જાે મધ્ય પૂર્વમાં હાલનો સંઘર્ષ લાંબો ચાલશે તો ક્રૂડ ઓઈલ ફરી એકવાર ૧૦૦થી ૧૨૦ ડોલર પ્રતિ બેરલની સપાટીએ પહોંચી શકે છે.
હોર્મુઝ સ્ટ્રેટ વિશ્વના સૌથી વ્યસ્ત અને વ્યૂહાત્મક દરિયાઈ માર્ગોમાંનો એક છે. ઈરાન, ઓમાન અને યુનાઇટેડ આરબ અમીરાત વચ્ચે આવેલો આ દરિયાઈ માર્ગ વૈશ્વિક ઊર્જા વેપાર માટે અત્યંત મહત્વનો માનવામાં આવે છે. દુનિયાના કુલ ક્રૂડ ઓઈલ અને એલએનજી પુરવઠાનો લગભગ ૨૦ ટકા હિસ્સો આ માર્ગ પરથી પસાર થાય છે. આવી સ્થિતિમાં અહીં કોઈપણ પ્રકારની સૈન્ય કાર્યવાહી અથવા જહાજાેની અવરજવરમાં વિક્ષેપ સર્જાય તો તેની સીધી અસર વૈશ્વિક તેલ બજાર અને ઊર્જા પુરવઠા પર પડે છે.