લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
17, જુન 2026 |
2178
કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારિતા રાજ્યમંત્રી રામદાસ આઠવલેએ સુરત સરકીટ હાઉસ ખાતે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ભારતે અમેરિકા, યુરોપિયન દેશો, ઇઝરાયેલ અને ફ્રાન્સ જેવા અગ્રણી દેશો સાથે મહત્વપૂર્ણ વેપાર કરારો કર્યા છે. વિદેશી રોકાણો દ્વારા દેશની ઇકોનોમી મજબૂત બની રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં સરકાર સમાજનાં છેવાડાનાં માનવી, દલિતો, પછાત વર્ગો અને દિવ્યાંગજનોનાં સશક્તિકરણ માટે કટિબદ્ધ છે.
દેશમાં ૫૮ કરોડથી વધુ જનધન યોજના હેઠળ બેંક ખાતા ખોલવામાં આવ્યા છે. મુદ્રા યોજનામાં ૫૭ કરોડ લોકોને લોન સહાય અપાઈ છે. આયુષ્માન ભારત યોજનામાં ૬૦ કરોડથી વધુ લોકોને રૂ.૫ લાખનું આરોગ્ય કવચ અપાયું છે. પ્રધાનમંત્રી ઉજ્જ્વલા યોજનાનો ૧૧ કરોડ લોકો લાભ મેળવી રહ્યા છે. પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ૪ કરોડથી વધુ આવાસો બનાવ્યા છે. સ્વચ્છ ભારત મિશન હેઠળ ૧૨ કરોડથી વધુ પરિવારો માટે શૌચાલય નિર્માણ કરાયા છે. ગુજરાતનાં પનોતા પુત્ર નરેન્દ્ર મોદી અને અમિત શાહ બંને ખૂબ જ મજબૂત નેતાઓ છે. હું પણ તેમની સાથે મજબૂતીથી ઊભો છું. અમારી સરકાર વાસ્તવિક સ્તરે જનતા માટે કામ કરી રહી છે એમ તેમણે ઉમેર્યું હતું. નાસિરનગર ડીમોલિશન બાબતે રામદાસ આઠવલેએ જણાવ્યું કે, કાચા મકાનો અને ઝૂંપડપટ્ટીમાં રહેતા શ્રમિકોએ પોતાની મહેનત અને પરિશ્રમથી શહેરોને વિકાસની દિશામાં આગળ વધાર્યા છે. આજે જે ગગનચુંબી ઇમારતો નજરે પડે છે, તેના નિર્માણમાં શ્રમિક વર્ગનું અમૂલ્ય યોગદાન રહેલું છે તેથી આવા લોકોને વૈકલ્પિક વ્યવસ્થા કર્યા વિના બેઘર કરવું યોગ્ય નથી અને માનવતાના દૃષ્ટિકોણથી પણ તે ગંભીર મુદ્દો છે.