06, જુલાઈ 2025
1683 |
ઈડર, સાબરકાંઠા જીલ્લાના તલોદ તાલુકાના બડોદરાની સીમમાંથી સાબરકાંઠા એલ.સી.બી પોલીસે બાતમીના આધારે વિદેશી દારૂ ભરેલી કાર અને પાયલોટિંગ કરતી કાર ઝડપી રૂપિયા ૧૧,૨૨,૪૭૫ની કિંમતનો મુદ્દામાલ ઝડપી લઈ એક ઈસમની ધરપકડ કરી હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે મળતી માહિતી મુજબ સાબરકાંઠા જિલ્લા એલ.સી.બી.ના એ.એસ.આઈ દેવુસિંહ અને તેમની ટીમ રોઝડ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા, તે દરમિયાન પોકો નિરિલ કુમારને બાતમી મળી હતી કે, સફેદ કલરની બલેનો કાર જેનો નંબર જીજે.૦૧.ડબ્લ્યુ.યુ.૩૩૪૩ છે, જે રાજસ્થાનથી વિદેશી દારૂ ભરી નીકળી છે અને ધનસુરા પાસ કરી રોઝડથી ઉજેડિયા થઈ અમદાવાદ જવાની છે અને તે ગાડીનું પાયલોટિંગ એક સફેદ રંગની અલ્ટો ગાડી નંબર જી.જે.૩૧.બીએ.૭૮૩૯ કરે છે તે બાતમીના આધારે પોલીસે રોઝડ ચાર રસ્તા પર વોચ ગોઠવી હતી.દરમિયાન બાતમી વાળી કાર રોઝડ થી બડોદરા જવાના રસ્તે વળી ગઈ હતી અને દારૂ ભરેલી બાતમી વાળી બલેનો કારને રોકવાનો પ્રયાસ કર્યો હતો પણ તે ઊભી રહી ન હતી અને પૂરપાટ ઝડપે બડોદરા તરફ ભાગી રહી હતી. જેથી પોલીસે તલોદ પોલીસ સ્ટેશન ખાતે જાણ કરી હતી. જેથી ભગવતસિંહ અને અન્ય પોલીસના માણસોએ વહાણવટી માતાના મંદિરે મેશ્વો નદીના પુલ પાસે આડશ કરી પાયલોટિંગ કરતી અલ્ટો કારના ચાલક મુકેશ ઉર્ફે મોગલી મંગલભાઈ રાઠોડ (રહે. મહાત્મા ગાંધી નગર, કુબેરનગર અમદાવાદ)ને ઝડપ્યો હતો જ્યારે બલેનો કારનો ચાલક ગાડી મૂકીને ભાગી જવામાં સફળ રહ્યો હતો. પોલીસે બલેનો કારની તલાશી લેતા વિવિધ બનાવટની વિદેશી દારૂની બોટલ નંગ-૧૨૩૦ જેની અંદાજીત કિંમત ૫,ર્૮,૪૭૫ છે તે જપ્ત કરી હતી. આ અંગે એલ.સી.બી પોલીસ કોન્સ્ટેબલ નીરીલ કુમારની ફરિયાદના આધારે પોલીસે મુકેશ ઉર્ફે મોગલી રાઠોડ અને બલેનો કારના ચાલક વિરુદ્ધ વિરુદ્ધ ગુનો નોંધી વિદેશી દારૂ અને બે કાર સહિત કુલ ૧૧,૨૨,૪૭૫ રૂપિયાનો મુદ્દામાલ ઝડપી લઈ મોગલી રાઠોડની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.