જાપાનમાં 16 જગ્યાએ સુનામીની એન્ટ્રી, અમેરિકામાં પણ ફફડાટ, ટ્રમ્પે એલર્ટ જાહેર કર્યું
30, જુલાઈ 2025 ટોક્યો   |   2772   |  

જાપાનના ઇશિનોમાકી પોર્ટ પર 50 સેમી ઊંચાઈની સુનામી નોંધાઈ, 9 લાખ લોકો માટે એલર્ટ

રશિયામાં 8.7ની તીવ્રતાના શક્તિશાળી ભૂકંપ બાદથી અનેક દેશોમાં ફફડાટની સર્જાઈ છે. રશિયા, જાપાન અને અમેરિકા ત્રણેય દેશોમાં સુનામીનું એલર્ટ જાહેર કરાયું છે ત્યારે જાપાનમાં 16 જગ્યાએ સુનામીની જાણે એન્ટ્રી થઇ ગઈ છે તેવા અહેવાલ મળી રહ્યાં છે.

જાપાનમાં સુનામીનું એલર્ટ જાહેર કરાયા બાદથી લોકો ધાબે ચઢી ગયા હતા. પેસિફિક વોર્નિંગ સેન્ટરના કહેવા મુજબ હવાઈ, ચિલી અને જાપાન તથા સોલોમન ટાપુ પર સુનામીની સ્થિતિ સર્જાઈ છે. જાપાનમાં 16 જગ્યાએ સુનામીએ દસ્તક આપી છે. આ દરમિયાન સમુદ્રમાં 40 સે.મી. ઊંચા મોજા જોવા મળ્યા હતા. ઈશિનોમાકી પોર્ટ પર સમુદ્રમાં પચાસ સે.મી. ઊંચા મોજા જોવા મળ્યા હતા. જાપાના હોક્કાઈદોમાં પણ સુનામીની લહેરો જોવા મળી હતી.

જાપાનના ઇશિનોમાકી પોર્ટ પર 50 સેમી ઊંચાઈની સુનામી નોંધાઈ હતી, જે અત્યાર સુધીની સૌથી ઊંચી સુનામી છે. જાપાન સરકારે દરિયાકાંઠાના શહેરોમાંથી 9 લાખ લોકોને સ્થળાંતર કરવાની નોટિસ જારી કરી છે. સુનામીની ચેતવણીને કારણે હવાઈના હોનોલુલુમાં ટ્રાફિક જામ થઈ ગયો છે. ચેતવણીના સાયરન વાગવા લાગ્યા છે અને લોકો ઊંચા સ્થળોએ જઈ રહ્યા છે. હવાઈમાં શાળાઓ પણ બંધ કરી દેવામાં આવી છે.

યુએસની ભૂકંપ એજન્સી દ્વારા એલર્ટ જાહેર કરાયા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે પણ સુનામીની ચેતવણી જાહેર કરી હતી. તેમણે ટ્રુથ પર પોસ્ટમાં જણાવ્યું કે કેલિફોર્નિયા અને તટીય વિસ્તારોમાં સુનામી આવી શકે છે એટલે લોકો સાવચેત રહે. ઉલ્લેખનીય છે કે રશિયામાં શક્તિશાળી ભૂકંપ બાદ અનેક ઈમારતોને નુકસાન થયાની તસવીરો સામે આવી છે. દરિયામાં પણ સુનામીની એક્ટિવિટી જોવા મળી રહી છે. જેના પગલે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution