લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
23, જુન 2026 |
1584
ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌના અલીગંજ વિસ્તારમાં સોમવારે એક ત્રણ માળની ઇમારતમાં ભયાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. આ દુર્ઘટનામાં ગંભીર રીતે દાઝી જવાના કારણે ૧૫ લોકોના મોત નીપજ્યા છે, જ્યારે ૯ લોકો ઘાયલ થયા છે. આ ઘટનાની ગંભીરતાને જાેતાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પોતાના તમામ કાર્યક્રમો રદ્દ કરીને અધિકારીઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. મુખ્યમંત્રીના નિર્દેશ પર બેદરકારી દાખવવા બદલ ૪ અધિકારીઓને તાત્કાલિક પ્રભાવથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આ સાથે જ પોલીસે ઇમારતના સંયુક્ત માલિકો સહિત ૪ લોકોની ધરપકડ કરી લીધી છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ભયાનક ઘટના અંગે શોક વ્યક્ત કર્યો છે. તેમણે મૃતકોના પરિજનોને ‘પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત કોષ’માંથી ૨-૨ લાખ રૂપિયા અને ઘાયલોને ૫૦-૫૦ હજાર રૂપિયાની આર્થિક સહાય આપવાની જાહેરાત કરી છે. બીજી તરફ, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ રાજ્ય સરકાર તરફથી મૃતકોના પરિજનોને ૫-૫ લાખ રૂપિયા અને ઘાયલોને ૫૦-૫૦ હજાર રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે પોતે ઘટનાસ્થળની મુલાકાત લઈને સ્થિતિની સમીક્ષા કરી હતી.