લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
17, નવેમ્બર 2026 |
2475
ભારતીય ક્રિકેટના સૌથી સફળ સુકાનીઓમાંના એક મહેન્દ્રસિંહ ધોનીએ આખરે ઇન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે આઈપીએલમાં ખેલાડી તરીકેની પોતાની ઐતિહાસિક કારકિર્દી પર પૂર્ણવિરામ મૂકી દીધું છે. ચેન્નાઈ સુપર કિંગ્સ) ફ્રેન્ચાઇઝી દ્વારા મંગળવારે ૧૭ નવેમ્બરના રોજ સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે કે આઈપીએલ ૨૦૨૭ની સિઝનથી મહેન્દ્રસિંહ ધોની ટીમના મેન્ટર તરીકેની નવી જવાબદારી સંભાળશે. લગભગ બે દાયકા સુધી પીળી જર્સીમાં મેદાન ગજવ્યા બાદ હવે ધોની ફ્રેન્ચાઇઝી સાથે એક નવા અધ્યાયની શરૂઆત કરવા જઈ રહ્યા છે. ચેન્નાઈ સુપર કિંગ્સના માલિક એન. શ્રીનિવાસને ધોનીના યોગદાનને યાદ કરતા જણાવ્યું હતું કે એમએસ ધોની વિના સીએસકેની કલ્પના જ થઈ શકે તેમ નથી. લગભગ વીસ વર્ષ સુધી અમે સફળતા અને પડકારોની દરેક પળમાં સાથે ચાલ્યા છીએ અને પરસ્પર વિશ્વાસને કારણે અમારો સંબંધ અતૂટ રહ્યો છે. વર્ષ ૨૦૦૮માં મેં ધોનીને ટીમમાં સામેલ કરવાનો આગ્રહ રાખ્યો હતો, જે મારા જીવનનો શ્રેષ્ઠ ર્નિણય સાબિત થયો, માત્ર તેમની ક્રિકેટની સિદ્ધિઓ માટે નહીં પરંતુ તેઓ જેવા ઉમદા વ્યક્તિ છે તે માટે. ધોની હંમેશા અમારી ઓળખ રહેશે અને ચેન્નાઈ તેમનું કાયમી ઘર છે. ચેન્નાઈ સુપર કિંગ્સના માલિક શ્રીમતી રૂપા ગુરુનાથે જણાવ્યું હતું કે એમએસ ધોની જેવા ખેલાડી જીવનમાં એક જ વાર આવે છે અને ટીમની સ્થાપનાથી જ તેમણે આ ફ્રેન્ચાઇઝીનો મજબૂત પાયો નાખ્યો છે.