ભારતથી ઓમાન જતી ઑઈલ ટેન્કરમાં ભીષણ આગ, ૨૪ ભારતીયોને બચાવાયાં
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
08, જુન 2026  |   5643

સોમવારે બપોરે આશરે દોઢ વાગ્યે ઓમાનના પૂર્વીય દરિયા કિનારે એક વિદેશી ધ્વજ ધરાવતા ઓઇલ ટેન્કર ‘મેરીવેક્સ‘માં અચાનક આગ લાગવાની ઘટના બની હતી. આ જહાજ પર ૨૪ ભારતીય નાવિકો સવાર હતા. શિપિંગ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર, પ્રારંભિક તપાસમાં તમામ ભારતીય નાવિકો સંપૂર્ણપણે સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે. શિપિંગ મંત્રાલયના ડાયરેક્ટર ઓપેશ કુમાર શર્માએ જણાવ્યું કે આ ભયાનક આગ કયા કારણોસર લાગી તે હજી સુધી જાણી શકાયું નથી અને તેની સઘન તપાસ કરવામાં આવી રહી છે. પ્રારંભિક અહેવાલો અનુસાર, સૌથી મોટી સકારાત્મક બાબત એ હતી કે આ ટેન્કર તે સમયે ખાલી હતું, એટલે કે તેમાં કોઈ પણ પ્રકારનો ઓઇલ કે ગેસનો કાર્ગો ભરેલો નહોતો. જાે તેમાં કાર્ગો હોત તો મોટો વિસ્ફોટ થવાનું જાેખમ વધી ગયું હોત. ડાયરેક્ટર શર્માએ ઉમેર્યું કે શિપિંગ મંત્રાલય આ મામલે વધુ સચોટ માહિતી મેળવવા માટે વિદેશ મંત્રાલય અને જહાજના માલિકના સતત સંપર્કમાં છે. ગ્લોબલ શિપ ટ્રેકિંગ ડેટા પૂરો પાડતી સંસ્થા ‘મરીન ટ્રાફિક’ના ડેટા અનુસાર, ઓઇલ ટેન્કર મેરીવેક્સ ભારતના કર્ણાટકમાં આવેલા કારવાર બંદરેથી રવાના થયું હતું અને ઓમાનના દુકમ બંદર તરફ આગળ વધી રહ્યું હતું, તે દરમિયાન જ ઓમાનના પૂર્વીય સમુદ્રમાં તે અકસ્માતનો ભોગ બન્યું હતું. ઓલ ઇન્ડિયા સીફેરર્સ યુનિયને પણ આ સેફ્ટી ઓપરેશનની પુષ્ટિ કરી છે અને તમામ પરિવારોના સંપર્કમાં હોવાનું જણાવ્યું છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution