માતંગી ડેરી એન્ડ પ્રોડકટ્સ ફેક્ટરી સીલ
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
10, જુન 2026  |   2475

અમદાવાદ મનપાના આરોગ્ય વિભાગ દ્વારા ગઈકાલે અમદાવાદમાં શંકાસ્પદ ડુપ્લિકેટ ઘીના મામલે મોટી કાર્યવાહી કરી હતી. જેમાં ત્રણ સ્થળેથી ૪,૮૫૦ કિલો શંકાસ્પદ ઘી જપ્ત કરી રૂ. ૩૧.૮૧ લાખનો જથ્થો સીઝ કર્યો હતો. આ દરોડા બાદ રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા અમદાવાદના કઠવાડામાં આવેલી માતંગી ડેરી એન્ડ પ્રોડક્ટ્સ નામની ફેકટરી પર દરોડા પાડયા હતા. જેમાં લાયસન્સ વિના બનાવાતા શંકાસ્પદ ૪૫૨ લીટર ઘી નો રૂ. ૨.૮૫ લાખનો જથ્થો જપ્ત કરીને ફેકટરીને સીલ કરી છે. રાજ્ય સરકાર દ્વારા નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનારા અને ખાદ્યપદાર્થોમાં ભેળસેળ કરનારા તત્વો સામે ‘ઝીરો ટોલરન્સ‘ નીતિ હેઠળ સતત કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાના માર્ગદર્શન અને આદેશોના અનુસંધાને ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા રાજ્યવ્યાપી વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ ઝુંબેશના ભાગરૂપે આજે ગાંધીનગર સ્થિત ફ્લાઈંગ સ્ક્વોડે અમદાવાદ શહેરના કઠવાડામાં આવેલી માતંગી ડેરી એન્ડ ફૂડ પ્રોડક્ટ્સ ખાતે અચાનક તપાસ હાથ ધરી હતી.

આ તપાસ દરમિયાન ભેળસેળની પ્રબળ શંકા, અત્યંત ઓછો વેચાણ ભાવ, જરૂરી ખરીદ-વેચાણના દસ્તાવેજાેની ગેરહાજરી તથા માન્ય ફૂડ લાયસન્સના અભાવને ધ્યાનમાં રાખી કાયદેસરની કાર્યવાહી કરાઈ હતી. આ દરોડામાં ફૂડ સેફ્ટી અધિકારીઓ દ્વારા સ્થળ પરથી અંદાજિત રૂ. ૨.૮૫ લાખની કિંમતનો ૪૫૨ લિટર શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કર્યો હતો અને સમગ્ર ફેક્ટરીને સીલ કરી દેવામાં આવી હતી. વધુ તપાસમાં જાણવા મળ્યું હતું કે સંચાલકો જરૂરી લાયસન્સ વિના ઉત્પાદન કરી રહ્યા હતા તેમજ અન્ય ફર્મના નામે ઉત્પાદન કરવામાં આવી રહ્યું હોવાનું પણ સામે આવ્યું હતું. જપ્ત કરાયેલા ઘીના નમૂનાઓ વૈજ્ઞાનિક પૃથક્કરણ અને વિશ્લેષણ માટે લેબોરેટરીમાં મોકલાયા છે. ટેસ્ટના અહેવાલ પ્રાપ્ત થયા બાદ જવાબદારો સામે કાયદાની કડક જાેગવાઈઓ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. આ અંગે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર જનઆરોગ્યની સુરક્ષા માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છે અને ભેળસેળિયા તત્વો સામે આવી કડક તથા શિક્ષાત્મક કાર્યવાહી આગામી સમયમાં પણ યથાવત ચાલુ રહેશે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution