લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
09, જુન 2026 |
5049
મધ્ય પ્રદેશમાં રાજ્યસભા ચૂંટણી પહેલાં કોંગ્રેસ પક્ષને બહુ મોટો રાજકીય ફટકો લાગ્યો છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા નોંધાવવામાં આવેલા સત્તાવાર વાંધા બાદ ચૂંટણી અધિકારીએ કોંગ્રેસના ઉમેદવાર મીનાક્ષી નટરાજન નું નામાંકન પત્ર (ચૂંટણી ફોર્મ) રદ કરી દીધું છે. આ ઘટનાક્રમ બાદ હવે રાજ્યની ત્રણેય રાજ્યસભા બેઠકો પર ભાજપની દાવેદારી મજબૂત થઈ ગઈ છે, અને તેના ત્રણેય ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવે તેવી પૂરેપૂરી સંભાવના છે.
મળતી માહિતી મુજબ, મીનાક્ષી નટરાજન દ્વારા ઉમેદવારી ફોર્મ ભર્યા બાદ ભાજપે તેમની સામે ગંભીર વાંધો ઉઠાવ્યો હતો. ભાજપના નેતાઓએ આરોપ લગાવ્યો હતો કે, નટરાજને તેલંગાણામાં પોતાની વિરુદ્ધ નોંધાયેલા એક ગુનાહિત કેસની માહિતી સોગંદનામામાં જાણી જાેઈને છુપાવી હતી. આ ઉપરાંત, સોગંદનામામાં તેમની મિલકતો અને બેંક બેલેન્સની વિગતો પણ સ્પષ્ટ રીતે દર્શાવવામાં આવી નહોતી. ચૂંટણી નિયમો અનુસાર, દરેક ઉમેદવારે પોતાના ગુનાહિત કેસ, મિલકત, આવક અને લોનની તમામ વિગતો સંપૂર્ણ પારદર્શિતા સાથે જાહેર કરવી ફરજિયાત હોય છે.