બે પુત્રીને ફેંકી માતાની નહેરમાં મોતની છલાંગ
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
09, મે 2026  |   1782

ખેડા જિલ્લાના કપડવંજ તાલુકામાંથી હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ગતરોજ ફતિયાવાદ ગામ પાસેથી પસાર થતી નર્મદા મુખ્ય નહેરમાં માતાએ પોતાની બે માસૂમ પુત્રીઓ સાથે ઝંપલાવ્યું હતું. જેની જાણ થતાં પિતા ત્રણેયને બચાવવા માટે નહેરમાં કૂદી પડ્યા હતા. જાેકે, તમામના ડૂબી જવાથી કરુણ મોત થયા છે. પ્રાપ્ત વિગત અનુસાર, કપડવંજ તાલુકાના બાવાના મુવાડા ગામના રહેવાસી સપનાબેન સોલંકી પોતાની ત્રણ વર્ષની પુત્રી નીતિ અને ત્રણ માસની પુત્રી કાળી સાથે ફતિયાવાદ નજીક નર્મદા નહેરના પૂલ પર પહોંચ્યા હતા. કોઈ અગમ્ય કારણોસર, માતાએ સૌપ્રથમ બંને પુત્રીઓને વહેતા પાણીમાં ફેંકી દીધી હતી અને ત્યારબાદ પોતે પણ નહેરમાં કૂદી પડી હતી.ઘટનાની જાણ થતાં જ સપનાબેનના પતિ વિનુભાઈ સોલંકી તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા. પોતાની પત્ની અને બે દીકરીઓને પાણીમાં ગરકાવ થતી જાેઈ, તેમને બચાવવાના પ્રયાસમાં વિનુભાઈએ પણ નહેરમાં ઝંપલાવ્યું હતું. જાેકે, નહેરમાં પાણીનો પ્રવાહ વધુ હોવાથી અને ઊંડાઈને કારણે ચારેય સભ્યો ડૂબી ગયા હતા. ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. સ્થાનિકો દ્વારા આ ઘટના અંગે પોલીસ અને તંત્રને જાણ કરવામાં આવી હતી. માહિતી મળતા જ કપડવંજ ફાયર બ્રિગેડની ટીમ અને આતરસુંબા પોલીસનો કાફલો ફતિયાવાદ નર્મદા નહેર પર પહોંચી ગયો હતો. ફાયર ફાઈટરોએ સ્થાનિક તરવૈયાઓની મદદથી નહેરના ઊંડા પાણીમાં શોધખોળ હાથ ધરી હતી અને ભારે જહેમત બાદ ચારેય વ્યક્તિઓના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. કપડવંજ ડિવિઝનના ડીવાયએસપી વિક્રમસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, ગઈકાલે સાંજે આ બનાવ બન્યો હતો. જેમાં બાળકો સહિત ચારેયના મોત નીપજ્યા છે. આ મામલે મૃતકના પિતા સુરેશભાઈ સોલંકીએ આતરસુંબા પોલીસ મથકે જાણ કરી હતી. પોલીસે ચારેય મૃતદેહોનો કબજાે મેળવી પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યા છે. હાલમાં આ આપઘાત પાછળનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. કયા સંજાેગોમાં કે પારિવારિક કંકાસના કારણે માતાએ પોતાની ફૂલ જેવી દીકરીઓ સાથે આ આત્યંતિક પગલું ભર્યું તે દિશામાં પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.


© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution