લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
18, નવેમ્બર 2026 |
2673
નાસાનું પ્રસિદ્ધ અવકાશયાન વોયેજર-૧ પૃથ્વીથી લગભગ ૨૬ અબજ કિલોમીટર દૂર પહોંચી ગયું છે. તેણે એક લાઇટ-ડે એટલે કે પ્રકાશ એક દિવસમાં કાપે તેટલું અંતર પૂર્ણ કરી લીધું છે. માનવસર્જિત અન્ય કોઈ વસ્તુ અત્યાર સુધી આટલે દૂર પહોંચી નથી. એક લાઇટ-ડેનો અર્થ છે તે અંતર, જે પ્રકાશ ૨૪ કલાકમાં કાપે છે. પ્રકાશની ઝડપ લગભગ ૩ લાખ કિલોમીટર પ્રતિ સેકન્ડ છે. આ હિસાબે એક લાઇટ-ડે લગભગ ૧૬ અબજ માઇલ (૨૫.૯ અબજ કિલોમીટર) જેટલો થાય છે. હવે પૃથ્વી પરથી મોકલવામાં આવેલા રેડિયો સિગ્નલને વોયેજર-૧ સુધી પહોંચવામાં લગભગ ૨૪ કલાક લાગશે. ત્યાંથી જવાબ આવવામાં પણ એટલો જ સમય લાગશે. એટલે તેની સાથે વાતચીત કરવામાં લગભગ બે દિવસ લાગી શકે છે. વોયેજર-૧એ ૧૯૯૮માં નાસાના જ બીજા અવકાશયાન પાયોનિયર-૧૦ને પાછળ છોડીને સૌથી દૂર પહોંચેલી માનવસર્જિત વસ્તુનો રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. ત્યારથી તે સતત અવકાશમાં આગળ વધી રહ્યું છે. નાસાએ ૫ સપ્ટેમ્બર ૧૯૭૭ના રોજ વોયેજર-૧ને અવકાશમાં લોન્ચ કર્યું હતું. તેને અમેરિકાના ફ્લોરિડા સ્થિત કેનેડી સ્પેસ સેન્ટરથી ટાઇટન/સેન્ટોર-૬ રોકેટની મદદથી રવાના કરવામાં આવ્યું હતું.
વોયજર-૧ને સપ્ટેમ્બર ૧૯૭૭માં અવકાશમાં મોકલવામાં આવ્યું હતું. ત્યારથી તેણે ઘણી મોટી સિદ્ધિઓ હાંસલ કરી છે. વોયજર-૧નું જાેડિયા અવકાશયાન વોયજર-૨ પણ છે, જેને ૧૬ દિવસ પહેલાં લોન્ચ કરવામાં આવ્યું હતું. જાેકે, પહેલાં લોન્ચ થયા છતાં વોયજર-૨ પાછળ રહી ગયું. તેનું કારણ બંને માટે પસંદ કરવામાં આવેલા અલગ-અલગ માર્ગો હતા. વોયજર-૧ને નાનો અને ઝડપી માર્ગ આપવામાં આવ્યો હતો, જેથી તે ગુરુ અને શનિ સુધી ઝડપથી પહોંચી શકે. જ્યારે, વોયજર-૨નો માર્ગ એવી રીતે નક્કી કરવામાં આવ્યો હતો કે તે ગુરુ અને શનિ પછી યુરેનસ અને નેપચ્યુન સુધી પણ જઈ શકે.